
મહેસાણા, 23 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના 70 આંગણવાડી કાર્યકર બહેનો માટે રાંધેજા સ્થિત ગુજરાત વિદ્યાપીઠ ખાતે જોબ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમનો મુખ્ય હેતુ આંગણવાડી સેવાઓની ગુણવત્તામાં વધારો કરી બાળ વિકાસ, પોષણ અને સમુદાય આધારિત કામગીરીને વધુ અસરકારક બનાવવાનો હતો.
તાલીમ દરમિયાન નિષ્ણાતો દ્વારા બાળ વિકાસ, માતા અને બાળકના પોષણ, પ્રારંભિક બાળ શિક્ષણ, આરોગ્ય જાગૃતિ તેમજ આંગણવાડી કેન્દ્રો દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, કાર્યકર બહેનોને પ્રાયોગિક તાલીમ દ્વારા ક્ષેત્રમાં આવતી સમસ્યાઓના ઉકેલ અને સેવાઓને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવાની રીતો સમજાવવામાં આવી હતી.
આ કાર્યક્રમથી આંગણવાડી કાર્યકર બહેનોની કાર્યક્ષમતામાં વધારો થશે તેમજ સરકારની મહિલા અને બાળ વિકાસ યોજનાઓનો લાભ વધુ અસરકારક રીતે લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં મદદ મળશે. તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાના અનુભવ શેર કર્યા અને બાળ કલ્યાણ માટે વધુ સારી સેવાઓ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR