
મહેસાણા, 23 જુલાઈ (હિ.સ.)
મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ અને પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મુલાકાત લઈ ચાણસ્મા-હારીજ-રાધનપુર નવી રેલવે લાઇન પ્રોજેક્ટ માટે જરૂરી નાણાકીય ફાળવણી વહેલી તકે કરવાની રજૂઆત કરી છે.
સાંસદોએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ ઉત્તર ગુજરાતના વેપાર, ઉદ્યોગ અને પરિવહન માટે મહત્વપૂર્ણ સાબિત થશે. નવી રેલવે લાઇન શરૂ થતાં ચાણસ્મા, હારીજ અને રાધનપુરને ભીલડી, ગાંધીધામ, કંડલા પોર્ટ, ન્યૂ ભુજ તેમજ જોધપુર-દિલ્હી રેલ માર્ગ સાથે સીધું જોડાણ મળશે. જેના કારણે વેપારીઓને માલસામાનની હેરફેર સરળ બનશે અને મુસાફરોને પણ નવી ટ્રેન સેવાઓનો લાભ મળશે.
રજૂઆતમાં જણાવાયું કે પ્રોજેક્ટનું સર્વેક્ષણ પૂર્ણ થઈ ચૂક્યું છે અને ચાણસ્માથી હારીજ સુધીની જમીન અગાઉથી જ સંપાદિત કરવામાં આવી છે. હવે હારીજથી રાધનપુર વચ્ચે આશરે 40 કિલોમીટર જમીન સંપાદિત કરવાની બાકી હોવાથી જરૂરી ફંડ ઉપલબ્ધ થાય તો પ્રોજેક્ટનું કામ ઝડપથી શરૂ થઈ શકે છે.
સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું કે આગામી રેલવે બજેટમાં આ પ્રોજેક્ટ માટે પૂરતી ફાળવણી કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વેપાર, ઉદ્યોગ અને પરિવહન ક્ષેત્રને નવી દિશા મળશે. બંને સાંસદોએ કેન્દ્ર સરકાર હકારાત્મક નિર્ણય લેશે તેવી આશા વ્યક્ત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR