
મહેસાણા, 23 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગે બિનઅધિકૃત રીતે સાદી રેતીના વહન સામે કડી અને મહેસાણા તાલુકામાં કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન અંદાજિત ₹1.60 કરોડ કિંમતના ચાર ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે.
વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન ડમ્પરોમાં નિયમોનું ઉલ્લંઘન કરીને રેતીનું પરિવહન કરવામાં આવતું હોવાનું સામે આવતા વાહનો કબજે લેવામાં આવ્યા હતા. ઉપરાંત સંબંધિત વાહનચાલકો સામે ખનિજ નિયમોના ભંગ બદલ કુલ ₹3.03 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગે જણાવ્યું છે કે રાજ્ય સરકારના નિયમો મુજબ ખનિજોના ગેરકાયદે ખનન અને પરિવહન સામે સતત ચકાસણી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આવી કાર્યવાહીનો મુખ્ય હેતુ ખનિજ સંપત્તિનું સંરક્ષણ, ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ અને નિયમોના અસરકારક અમલને સુનિશ્ચિત કરવાનો છે.
વિભાગે ખનિજોના ગેરકાયદે ખનન અથવા પરિવહન અંગે કોઈ માહિતી મળે તો સંબંધિત તંત્રને જાણ કરવા નાગરિકોને પણ અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR