કડી નજીક ખાદ્યતેલ ભરેલું ટેન્કર પલટી મારતાં રોડ પર તેલ ઢોળાયું, લોકો ડબ્બા લઈને પહોંચ્યા
મહેસાણા, 23 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના કડી નજીક વહેલી સવારે ખાદ્યતેલ ભરેલું ટેન્કર પલટી જતાં માર્ગ પર મોટા પ્રમાણમાં તેલ ઢોળાઈ ગયું હતું. અકસ્માત બાદ રસ્તા પર ખાદ્યતેલ ફેલાઈ જતાં થોડા સમય માટે ટ્રાફિકને અસર પહોંચી હતી. પ્રાથમિક માહિતી મુજબ ટેન
કડી નજીક ખાદ્યતેલ ભરેલું ટેન્કર પલટી મારતાં રોડ પર તેલ ઢોળાયું, લોકો ડબ્બા લઈને પહોંચ્યા


મહેસાણા, 23 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના કડી નજીક વહેલી સવારે ખાદ્યતેલ ભરેલું ટેન્કર પલટી જતાં માર્ગ પર મોટા પ્રમાણમાં તેલ ઢોળાઈ ગયું હતું. અકસ્માત બાદ રસ્તા પર ખાદ્યતેલ ફેલાઈ જતાં થોડા સમય માટે ટ્રાફિકને અસર પહોંચી હતી.

પ્રાથમિક માહિતી મુજબ ટેન્કરનો ચાલક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં વાહન પલટી ગયું હતું. અકસ્માતમાં ટેન્કરમાં ભરાયેલું હજારો લિટર ખાદ્યતેલ રસ્તા પર વહી ગયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.

રસ્તા પર ઢોળાયેલું ખાદ્યતેલ લોકો ડબ્બા, પીપ અને અન્ય વાસણોમાં ભરી લઈ જતા દૃશ્યો જોવા મળ્યા હતા. ઘટનાસ્થળના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં મોટી સંખ્યામાં લોકો તેલ એકત્ર કરતા જોવા મળે છે.

ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધિત તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વાહનોની અવરજવર પૂર્વવત કરવા કામગીરી હાથ ધરી હતી તેમજ અકસ્માતના કારણ અંગે તપાસ શરૂ કરી છે.

આ ઘટનામાં જાનહાનિ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. અકસ્માતને પગલે માર્ગ પર ફેલાયેલા તેલને કારણે વાહનચાલકોને સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande