
મહેસાણા, 23 જુલાઈ (હિ.સ.) વિજાપુર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સામાજિક કાર્યકર તરુણકુમાર પટેલ દ્વારા ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલ, ગટર વ્યવસ્થા, પાણી ભરાવા, આપત્તિ વ્યવસ્થાપન અને નાગરિકોની સુરક્ષા સહિતના જનહિતના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ રજૂઆતોના અનુસંધાને વિજાપુર તાલુકા પંચાયત અને વિજાપુર નગરપાલિકાએ લેખિતમાં સત્તાવાર જવાબ આપ્યા છે.
તાલુકા પંચાયતે જણાવ્યું કે ચોમાસા પૂર્વે ગ્રામ પંચાયતોને ગટર અને સ્ટોર્મ વોટર લાઇનની સફાઈ માટે સૂચના આપવામાં આવી છે. કોલવડા, પામોલ અને કુકરવાડા સહિતના વિસ્તારોમાં પાણીના નિકાલ માટે રિચાર્જ ટ્યુબવેલ અને પાઇપલાઇન જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિમાં સર્વે ટીમો અને પશુઓના સ્થળાંતરની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.
નગરપાલિકાએ જણાવ્યું કે શહેરની વરસાદી કેનાલો અને સ્ટોર્મ વોટર લાઇનની સફાઈ પૂર્ણ કરવામાં આવી છે. કાયમી પાણી ભરાતા વિસ્તારો માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ સરકાર સમક્ષ મંજૂરી માટે મોકલાયો છે. ઇમરજન્સી સમયે રેસ્ક્યુ ટીમ, સ્ટાફ અને જરૂરી મશીનરી ઉપલબ્ધ રાખવાની પણ ખાતરી આપવામાં આવી છે.
સામાજિક કાર્યકર તરુણકુમાર પટેલે જણાવ્યું કે, તંત્ર દ્વારા લેખિત જવાબ આપવો આવકારદાયક છે, પરંતુ હવે યોજનાઓનો સમયસર અને અસરકારક અમલ થાય તે જરૂરી છે જેથી શહેર અને તાલુકાના નાગરિકોને ચોમાસામાં વરસાદી પાણીની સમસ્યામાંથી કાયમી રાહત મળી શકે. તેમણે ઉમેર્યું કે તેઓ ભવિષ્યમાં પણ જનહિતના પ્રશ્નોને યોગ્ય મંચ સુધી પહોંચાડવા અને તેના અમલ પર નજર રાખવાનું કાર્ય ચાલુ રાખશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR