
પોરબંદર, 23 જુલાઈ (હિ.સ.)પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પૂજ્ય રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં 15મા ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સમારોહમાં ઉચ્ચ શિક્ષણ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના રાજ્ય શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગા સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. વર્ષ 2010થી સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા શિક્ષણક્ષેત્રેવિશિષ્ટ યોગદાન આપનારા શિક્ષકો અને સંસ્થાઓનું સન્માન કરવાની પરંપરા જળવાઈ રહી છે.તા. 27 જુલાઈના રોજ સવારે ભાવપૂજન માટે પસંદ થયેલા શિક્ષકો દ્વારા શૈક્ષણિક સંવાદ યોજાશે, જ્યારે બપોરના સત્રમાં મુખ્ય એવોર્ડી મહાનુભાવો પોતાના શૈક્ષણિક અનુભવો રજૂ કરશે. આ પ્રસંગે આઈ.આઈ. એમ. અમદાવાદના નિવૃત્ત પ્રાધ્યાપક અનિલભાઈ ગુપ્તા વિશેષ વ્યાખ્યાન આપશે.તા. 28 જુલાઈના રોજ યોજાનારા ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહમાં પદ્મશ્રી રતિલાલ બોરીસાગરને લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ, ડૉ. વિજય સેવકને શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ અને મુનિ સેવા આશ્રમ, ગોરજને ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડ અર્પણ કરવામાં આવશે. ઉપરાંત સંસ્કૃત ભાષાના ક્ષેત્રેવિશિષ્ટ યોગદાન બદલ ડૉ. કૃષ્ણપ્રસાદ નિરૌલા તથા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ ડૉ. સી. ટી. ટુંડીયાનું વિશેષ સન્માન કરવામાં આવશે. આ સાથે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ગામડાંના શિક્ષણમાં પરિવર્તન લાવનારા 34 જેટલા આચાર્યો અને શિક્ષકોને પણ ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તા. 29 જુલાઈના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે શ્રીહરિમંદિરમાં ધ્વજારોહણ, વ્યાસપૂજન, ગુરુપંચકમ પાઠ, ગુરુપૂર્ણિમાનો વિશેષ સંદેશ અને સદ્ગુરુપૂજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા શૈક્ષણિક તેમજ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ભાવિકો અને શિક્ષણપ્રેમીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya