


પાટણ, 23 જુલાઈ (હિ.સ.) : પાટણ નાગરિક સહકારી બેંકની 65મી વાર્ષિક સાધારણ સભા (AGM) દરમિયાન ગેરરીતિ અને નાણાકીય મુદ્દે ભારે હોબાળો સર્જાયો હતો. બેંકના પૂર્વ ચેરમેન સુરેશ પટેલે જણાવ્યું કે બેંકના 60 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આવો હંગામો થયો છે અને કેટલાક લોકોએ પોતાના કૌભાંડો છુપાવવા માટે જાણે-જોઈને તોફાન કરાવ્યું છે.
સુરેશ પટેલે આક્ષેપ કર્યો કે બેંકમાં 16 વ્યક્તિઓની ખોટી ભરતી કરવામાં આવી છે અને તેમને તાત્કાલિક હટાવવાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત ₹25 લાખના ખોટા ખર્ચ અને બેંકના મેનેજરે કોર્ટ ટ્રિબ્યુનલમાં બેંકને ગેરમાર્ગે દોરી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.
તેમણે વધુમાં દાવો કર્યો કે સામેના પક્ષના 7થી 8 ડિરેક્ટરો તેમના સંપર્કમાં છે અને આગામી ચેરમેન-એમડીની ચૂંટણીમાં તેમના સમર્થનથી નવું બોર્ડ બનશે. ગેરરીતિના મુદ્દે રજિસ્ટ્રાર, RBI અને હાઇકોર્ટ સુધી કાયદાકીય લડત ચાલુ રાખવાની પણ તેમણે જાહેરાત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ