
બોટાદ, 23 જુલાઈ (હિ.સ.)બોટાદ શહેરમાં નગરપાલિકાની બેદરકારીના કારણે તુરખા રોડ પર છેલ્લા ઘણા સમયથી અધૂરું પડેલું રોડનું કામ સ્થાનિકો અને વાહનચાલકો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે. રોડ નિર્માણની કામગીરી લાંબા સમયથી બંધ હોવાથી રસ્તા પર મોટા ખાડાઓ પડી ગયા છે. તાજેતરમાં પડેલા વરસાદ બાદ આ ખાડાઓમાં પાણી ભરાઈ જતાં રસ્તાની વાસ્તવિક સ્થિતિ દેખાતી નથી, જેના કારણે અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી પાણી ભરાવાનું મુખ્ય કારણ રોડનું અધૂરું કામ અને યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થાનો અભાવ છે. પાણી ભરાયેલા ખાડાઓને કારણે બે-ચક્રી વાહનચાલકોને ખાસ કરીને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહનચાલકો પાણીમાં છુપાયેલા ખાડાઓનો અંદાજ ન આવી શકવાથી લપસી પડવાના અથવા વાહનને નુકસાન થવાના બનાવો પણ બનવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે.
આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. છતાં રોડનું કામ પૂર્ણ ન થતાં સ્થાનિકોમાં નગરપાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક રોડનું બાકી રહેલું કામ પૂર્ણ કરવા, રસ્તા પર ભરાયેલા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તેમજ ખાડાઓનું સમારકામ કરવા માંગ કરી છે. સમયસર કામગીરી કરવામાં આવશે તો વાહનચાલકો અને રાહદારીઓને રાહત મળશે તેમજ સંભવિત અકસ્માતો પણ ટાળી શકાશે. હાલમાં તુરખા રોડની સ્થિતિ શહેરના વિકાસકાર્યો પર પણ અનેક સવાલો ઉભા કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA