ત્રણ દિવસથી વરસાદી ઝાપટાં છતાં પોરબંદરને હજુ સારા વરસાદની રાહ
પોરબંદર, 23 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે અને તેની સાથે તેજ પવન પણ ફૂંકાઈ રહ્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્
ત્રણ દિવસથી વરસાદી ઝાપટાં છતાં પોરબંદરને હજુ મુશળધાર વરસાદની રાહ.


ત્રણ દિવસથી વરસાદી ઝાપટાં છતાં પોરબંદરને હજુ મુશળધાર વરસાદની રાહ.


પોરબંદર, 23 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે અને તેની સાથે તેજ પવન પણ ફૂંકાઈ રહ્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. જોકે, અત્યાર સુધી પડેલો વરસાદ સંતોષકારક ન હોવાથી ખેડૂતો અને શહેરવાસીઓની આશા હજુ અધૂરી રહી છે.

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે 22 જુલાઈથી ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સારા વરસાદની આગાહી કરી હતી. આગાહીને પગલે જિલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાયું છે, પરંતુ પોરબંદરમાં હજુ સુધી માત્ર ઝાપટાં સ્વરૂપે જ વરસાદ નોંધાઈ રહ્યો છે. ક્યાંક થોડો વધુ તો ક્યાંક ખૂબ ઓછો વરસાદ પડતાં સમગ્ર જિલ્લામાં એકસરખો વરસાદ જોવા મળ્યો નથી. છૂટાછવાયા વરસાદના કારણે જિલ્લાના ડેમો, તળાવો અને જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક થઈ નથી. હાલમાં ડેમોમાં પાણીની સપાટી ધીમે ધીમે ઘટી રહી છે, જેના કારણે પાણીના સંગ્રહ અંગે ચિંતા વધી રહી છે. જો આગામી દિવસોમાં મુશળધાર વરસાદ નહીં પડે તો પીવાના પાણી અને સિંચાઈ માટે મુશ્કેલીઓ ઉભી થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ખરીફ પાકની વાવણી કરી ચૂકેલા ખેડૂતોની નજર હવે આકાશ તરફ મંડાયેલી છે. મગફળી, કપાસ, તલ અને અન્ય પાકોના યોગ્ય વિકાસ માટે સતત અને સારો વરસાદ જરૂરી છે. હાલના ઝાપટાંથી જમીનમાં ભેજ તો જળવાઈ રહ્યો છે, પરંતુ પાકને પૂરતું પાણી મળી રહે એટલો વરસાદ હજુ થયો નથી.

ખેડૂતોનું માનવું છે કે હવે એક-બે સારા વરસાદ પડે તો પાકને નવજીવન મળશે અને ઉત્પાદન પણ સારું રહેવાની આશા રહેશે. જો મેઘરાજા આગામી દિવસોમાં મન મૂકીને વરસે તો પોરબંદરના રાણાવાવ, ફોદારા, ખંભાળા સહિતના ડેમો, નદી-નાળા અને તળાવો છલોછલ ભરાઈ શકે છે. તેનાથી માત્ર ખેડૂતોને જ નહીં પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની ચિંતા પણ દૂર થઈ શકે છે. હાલ પોરબંદરવાસીઓ અને ખેડૂતોની એક જ પ્રાર્થના છે કે વરસાદી ઝાપટાંને બદલે મેઘરાજા મુશળધાર વરસે અને જિલ્લાને પાણીની સમસ્યામાંથી કાયમી રાહત મળે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande