
અમદાવાદ, 23 જુલાઈ (હિ.સ.)-દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસી રહેલા ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં પશ્ચિમ રેલવેની ટ્રેન સેવાઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ-મુંબઈ રૂટની 7 મુખ્ય ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે અનેક ટ્રેનો મોડી દોડાવી રહી છે.
ટ્રેન સેવાઓ ખોરવાતા નવસારી, સુરત અને વાપી વચ્ચે રોજ અપડાઉન કરતા 50 હજારથી વધુ પાસધારકો અને નોકરીયાત મુસાફરો વિવિધ રેલવે સ્ટેશનો પર અટવાઈ ગયા છે. મુસાફરોનો આક્ષેપ છે કે, રેલવે તંત્ર અથવા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા કોઈ વૈકલ્પિક બસ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ વિવિધ સ્ટેશનો પર વિશેષ હેલ્પ ડેસ્ક શરૂ કર્યા છે. રદ કરાયેલી ટ્રેનોના મુસાફરોને ટિકિટ રિફંડની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. રેલવે તંત્રએ જણાવ્યું છે કે, ટ્રેક પરથી પાણી ઉતર્યા બાદ અને સલામતીની સંપૂર્ણ ચકાસણી થયા પછી જ ટ્રેન સેવાઓ તબક્કાવાર પુનઃ શરૂ કરવામાં આવશે.
હેલ્પ ડેસ્ક નંબર
અમદાવાદ રેલવે સ્ટેશન (પ્લેટફોર્મ નં. 1): 079-22147997
સાબરમતી રેલવે સ્ટેશન: 7043028680
પાલનપુર રેલવે સ્ટેશન: 9484698141
વીરમગામ રેલવે સ્ટેશન: 9213527587
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે