

છોટાઉદેપુર , 23 જુલાઈ (હિ.સ.) પાવીજેતપુર તાલુકામાં ગુરુવારે વહેલી સવારથી મેઘરાજાએ જોરદાર પધરામણી કરતાં બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૫૮ એમએમ એટલે કે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે નદીઓ અને નાળાઓમાં પાણીની આવક વધી હતી. ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધતા શિહોદ ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન વચ્ચેના ભાગેથી ધોવાઈ જાય તુટી જતા માર્ગ સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે. તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે રસ્તા પર અવરજવર સદંતર બંધ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ભારજ નદી પર, શિહોદ પાસે કામચલાઉ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. જોકે, વરસાદના પ્રથમ જ મોટા પ્રવાહમાં ડાયવર્ઝન ધોવાઈ જતાં તેની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદની આગાહી હોવા છતાં પૂરતી મજબૂત વ્યવસ્થા કરવામાં આવી નહોતી, જેના કારણે પ્રથમ જ ભારે વરસાદમાં ડાયવર્ઝન તૂટી ગયું છે.
ડાયવર્ઝન બંધ થતાં પાવીજેતપુર, બોડેલી, છોટાઉદેપુર તેમજ મધ્યપ્રદેશ તરફ અવરજવર કરતા હજારો મુસાફરો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોજિંદા કામકાજ માટે આ માર્ગનો ઉપયોગ કરતા લોકો માટે હવે લાંબો વૈકલ્પિક માર્ગ અપનાવવાની ફરજ પડી છે.
હાલ તંત્ર દ્વારા વાહનોને વનકુટિર–રંગલી ચોકડી–મોડાસર ચોકડી થઈ બોડેલી તરફ ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. આ માર્ગથી અંદાજે ૩૫ કિલોમીટરનો વધારાનો ફેરો થાય છે. પરંતુ આ રસ્તો પણ અત્યંત ખખડધાજ અને સાંકડો હોવાથી મુસાફરી મુશ્કેલ બની રહી છે.
બીજી તરફ ઘણા વાહનચાલકો ડુંગરવાંટ–શિહોદ થઈ બોડેલી જવાનો માર્ગ અપનાવી રહ્યા છે, આ માર્ગે લગભગ ૪૦ કિલોમીટરનું વધારાનું અંતર કાપવું પડે છે.
રસ્તો બંધ થતાં વેપાર-ધંધા, કૃષિ ઉપજના પરિવહન, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ તબીબી સેવાઓ માટે આવતા-જતા લોકોને સૌથી વધુ અસર પહોંચી છે. ઈમરજન્સી સેવાઓને પણ લાંબો ચક્કર મારવો પડી રહ્યો હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોએ તંત્ર સમક્ષ ભારજ નદી પરના પુલનું કામ ઝડપથી પૂર્ણ કરવા તેમજ હાલની પરિસ્થિતિમાં મજબૂત વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે. વરસાદી મોસમ દરમિયાન વારંવાર ઉભી થતી આવી સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માટે લોકો દ્વારા તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી છે.
પાવીજેતપુરમાં બે ઇંચ જેટલો વરસાદ વરસતા શિહોદ પાસેનું ડાયવર્ઝન ધોવાયું ગયું છે જે તસ્વીરમાં નજરે પડે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ