
ભાવનગર, 23 જુલાઈ (હિ.સ.) : જિલ્લાના મહુવા તાલુકામાં ગુરુવારે દિવસભર વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તાલુકાના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો, જ્યારે કેટલાક ગામોમાં ધીમીધારે વરસાદ થતાં ખેડૂતો અને સ્થાનિક લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
મહુવા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતરહ્યું હતું. બપોર બાદ અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં, જ્યારે કેટલાક ગામોમાં સતત ધીમો વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે રસ્તાઓ ભીના બન્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં થોડા સમય માટે પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી.
ખેડૂતો માટે આ વરસાદ લાભદાયી માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને કપાસ, મગફળી, તલ અને અન્ય ખરીફ પાકને વરસાદથી ભેજ મળતાં પાકના વિકાસમાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે કેટલાક ખેડૂતોનું કહેવું છે કે સતત ભારે વરસાદને બદલે આવા હળવા અને સમયાંતરે પડતા વરસાદથી પાકને વધુ ફાયદો થાય છે.
હવામાનમાં આવેલા બદલાવને કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો અને છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ઉકળાટમાં રાહત મળી હતી. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. વરસાદી માહોલને પગલે ખેડૂતો ખેતીના વિવિધ કાર્યોમાં વ્યસ્ત બન્યા છે અને સારા ચોમાસાની આશા સાથે આગામી વરસાદની રાહ જોઈ રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA