સુરત શહેર-જિલ્લામાં વરસાદી પરિસ્થિતિ સંદર્ભે પ્રભારી સચિવ શાલિની અગ્રવાલે સમીક્ષા બેઠક યોજી
સુરત, 23 જુલાઈ (હિ.સ.) : સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદની સ્થિતિ અને હવામાન વિભાગની આગામી આગાહીને ધ્યાનમાં રાખીને, સુરતના વેસુ સ્થિત ICCC સેન્ટર ખાતે સુરત જિલ્લાના પ્રભારી સચિવ શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક
Surat


સુરત, 23 જુલાઈ (હિ.સ.) : સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદની સ્થિતિ અને હવામાન વિભાગની આગામી આગાહીને ધ્યાનમાં રાખીને, સુરતના વેસુ સ્થિત ICCC સેન્ટર ખાતે સુરત જિલ્લાના પ્રભારી સચિવ શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ વિસ્તારોની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે મ્યુ. કમિશનર એમ. નાગરાજન તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને સંભવિત આપત્તિઓને પહોંચી વળવા માટેના આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી.

ઉપસ્થિત સૌએ સંભવિત વરસાદી સ્થિતિને પહોંચી વળવા મંથન કર્યું હતું. બેઠકમાં વરસાદી પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી જનસુરક્ષા, તાત્કાલિક પ્રતિસાદ અને રાહત કામગીરીને વધુ અસરકારક બનાવવા જરૂરી સૂચનાઓ આપી હતી.

વર્તમાન પરિસ્થિતિની ગંભીરતા અને પડોશી જિલ્લાઓની જરૂરિયાતને ધ્યાને લઈને, સુરત ખાતે ઉપલબ્ધ NDRF ની ટીમોને વલસાડ અને નવસારી જિલ્લા તરફ રવાના કરવામાં આવી છે. જોકે, સુરત શહેરમાં સલામતી અને સુરક્ષાની પૂરેપૂરી તકેદારીના ભાગરૂપે સુરત ફાયર બ્રિગેડ અને SDRF ની ટીમોને સંપૂર્ણપણે ખડેપગે- સ્ટેન્ડબાય રાખવામાં આવી છે જેથી કોઈપણ કટોકટીના સમયે ત્વરિત પગલાં લઈ શકાય.

આગામી સમયમાં જો વરસાદનું પ્રમાણ વધે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની કે અન્ય કોઈ સમસ્યા સર્જાય, તો તેવી કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ બેઠકમાં તમામ સંબંધિત વિભાગોના કર્મચારીઓ અને અધિકારીઓને સંપૂર્ણપણે સતર્ક અને તૈયાર રહેવા માટે વિશેષ તાકીદ કરવામાં આવી છે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહે અને તંત્ર દ્વારા આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું પાલન કરે. આપત્તિ કે કટોકટીના સમયે નાગરિકો ત્વરિત સહાય માટે કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande