


વડોદરા, 23 જુલાઈ (હિ.સ.) : વડોદરામાં ચોમાસાની શરૂઆત સાથે જ પાણી ભરાવાની સમસ્યા સામે આવવા લાગી છે. અકોટા વિસ્તારમાં આવેલા શ્રી સેવાસ્ય કોમ્પ્લેક્સમાં વરસાદી અને ડ્રેનેજનું પાણી ઘૂસી જતાં દસથી વધુ દુકાનદારોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
દુકાનદારોના જણાવ્યા મુજબ, દર ચોમાસામાં અહીં પાણી ભરાય છે, પરંતુ આ વખતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરી દરમિયાન ડ્રેનેજના નિકાલમાં અવરોધ સર્જાતા સ્થિતિ વધુ ગંભીર બની છે.
કોમ્પ્લેક્સમાં પાણી ઘૂસી જતાં દસથી વધુ દુકાનોમાં રાખેલો માલ પલળી ગયો હતો. ખાસ કરીને રેશનકાર્ડ ધારકોને વિતરણ માટે રાખવામાં આવેલ સરકારી અનાજની અનેક બોરીઓ બગડી જતાં વેપારીઓને મોટું નુકસાન થયું હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
વેપારીઓનો આક્ષેપ છે કે જો ડ્રેનેજ વ્યવસ્થા સમયસર સુચારુ કરવામાં આવી હોત તો આ નુકસાન ટાળી શકાય તેમ હતું.
હવે દુકાનદારો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે અને થયેલા નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરીને વળતર આપવામાં આવે, જેથી તેઓને આર્થિક રાહત મળી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ