સાળાની સલાહથી શરૂ કરી ડ્રેગન ફ્રુટની ખેતી, આજે વીઘા દીઠ રૂ. 2 લાખ સુધીની આવક મેળવે છે ભાવનગરના ખેડૂત જગદીશભાઈ
ભાવનગર, 23 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નાગધણીબા ગામના પ્રગતિશીલ ખેડૂત ખસિયા જગદીશભાઈએ પરંપરાગત ખેતીમાંથી નવી દિશા અપનાવી આજે ડ્રેગન ફ્રુટની સફળ ખેતી દ્વારા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ચાર વર્ષ પહેલાં પોતા
ખેડૂત


ભાવનગર, 23 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નાગધણીબા ગામના પ્રગતિશીલ ખેડૂત ખસિયા જગદીશભાઈએ પરંપરાગત ખેતીમાંથી નવી દિશા અપનાવી આજે ડ્રેગન ફ્રુટની સફળ ખેતી દ્વારા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ચાર વર્ષ પહેલાં પોતાના સાળાની સલાહથી તેમણે કપાસ અને મગફળી જેવા પરંપરાગત પાકોને બદલે ડ્રેગન ફ્રુટનું વાવેતર શરૂ કર્યું હતું. આજે તેઓ સાત વીઘા જમીનમાં ડ્રેગન ફ્રુટની ખેતી કરીને પ્રતિ વીઘા અંદાજે રૂ. 2 લાખ સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે.

જગદીશભાઈ જણાવે છે કે ડ્રેગન ફ્રુટમાં શરૂઆતનો ખર્ચ થોડો વધુ હોય છે, પરંતુ એકવાર પાક ઉત્પાદન આપવાનું શરૂ કરે પછી જાળવણીનો ખર્ચ ખૂબ ઓછો રહે છે અને સતત સારી આવક મળે છે. તેઓ સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન કરે છે. પોતાના ઘર બહાર સ્ટોલ દ્વારા સીધું વેચાણ કરવાની સાથે ગ્રાહકોને કુરિયર મારફતે પણ ફળ પહોંચાડે છે. સામાન્ય દિવસોમાં રૂ. 100 પ્રતિ કિલો જેટલો ભાવ મળે છે.

ઉત્પાદન વહેલું મેળવવા માટે તેમણે ખેતરમાં લાઈટ સિસ્ટમ પણ સ્થાપિત કરી છે. શિયાળામાં લાઈટના ઉપયોગથી પાક વહેલો તૈયાર થતાં રૂ. 250થી 300 પ્રતિ કિલો સુધીનો ભાવ મળે છે. ઉપરાંત ડ્રેગન ફ્રુટના પાક બાદ વચ્ચેની ખાલી જગ્યામાં વેલા પ્રકારના શાકભાજીનું વાવેતર કરીને પ્રતિ વીઘા રૂ. 50 હજારથી વધુની વધારાની આવક પણ મેળવી રહ્યા છે. તેમની સફળતા અન્ય ખેડૂતોને પરંપરાગત ખેતીની સાથે ઉચ્ચ મૂલ્યના બાગાયતી પાકો તરફ આગળ વધવા પ્રેરણા આપી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande