
સુરત, 23 જુલાઈ (હિ.સ.) : છેલ્લા 24 કલાકથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને ધમરોળતા વરસાદ વચ્ચે શહેરમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વહીવટી તંત્રની વિવિધ ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં 24*7 રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે.
SMC કમિશનરના માર્ગદર્શન લિંબાયત ઝોનના ગીતા નગરમાંથી 8, વરાછા ઝોનમાં શીતળા માતા મંદિર પાસેથી 2, ઉધના ઝોનના કૃષ્ણા નગર પાંડેસરા વિસ્તારમાંથી 40 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. તેમજ લિંબાયત ઝોનના મીઠીખાડી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા એક વ્યક્તિનું રેસ્ક્યૂ કરી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ, બચાવ કામગીરી અને જરૂરી સ્થળોએ બોટ સહિતના સાધનો દ્વારા લોકોને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
વધુમાં પાલિકા કમિશનર એમ.નાગરાજને જણાવ્યું હતું કે, હાલ શહેરમાં પરિસ્થિતિ કાબુમાં છે. તેમજ જે લો લાઈન વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે ત્યાં પાણીના યોગ્ય નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે કાર્યરત છે. સાથે જ પાણી ભરાયેલા વિસ્તારોમાંથી સતત લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડી તેમના રહેવા, જમવાની સુવિધા કરાઈ હોવાનું જણાવ્યું હતું. કમિશનરએ હાઈ ટાઈડની પરિસ્થિતિ વચ્ચે શહેરીજનોને ચોક્કસ કારણ વગર ઘરેથી બહાર નીકળવા અને સુરક્ષિત આશ્રય મેળવવા અનુરોધ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે