
પોરબંદર, 23 જુલાઈ (હિ.સ.) : પોરબંદર નજીકના બરડા ડુંગરના નેસમાં રહેતી મહિલાને 108 વાનમાં પ્રસુતિ કરવામાં આવી હતી.
આધુનિક અને ઝડપી જીવનશૈલીમાં તમામ સુવિધાઓ લોકો સુધી ઝડપથી પહોંચી રહી છે. આવી જ જીવનરક્ષક સેવાઓમાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા આજે લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. અકસ્માત, ગંભીર બિમારી કે પ્રસુતિ જેવી કટોકટીની પરિસ્થિતિમાં 108 ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી સમયસર સારવાર પૂરી પાડી અનેક લોકોના જીવ બચાવી રહી છે.તાજેતરમાં રાણાવાવ તાલુકાના ખંભાળા ગામના સાત વિરડા નેશ વિસ્તારમાં રહેતી એક મહિલાને ત્રીજી પ્રસૂતિની અચાનક પીડા શરૂ થતાં પરિવારજનોએ 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો.જાણ થતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી.એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન વર્ષાબેન રાઠોડ તથા પાયલોટ જગદીશભાઈ સોલંકીએ મુખ્ય કાર્યાલય ખાતે હાજર ફિઝિશિયન ડો.મંથનના માર્ગદર્શન હેઠળ પોતાની કુશળતા, તાલીમ અને સમયસૂચકતાનો ઉત્તમ પરિચય આપ્યો હતો. પ્રસૂતિની પીડા અત્યંત વધી જતાં હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ એમ્બ્યુલન્સમાં સુરક્ષિત રીતે પ્રસૂતિ કરાવવામાં આવી હતી, જેમાં એક સ્વસ્થ પુત્રનો જન્મ થયો હતો.પ્રસૂતિ બાદ માતા અને નવજાત શિશુને જરૂરી પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે સમુદાય આરોગ્ય કેન્દ્ર, રાણાવાવ ખાતે
સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા. હાલ માતા અને નવજાત બંનેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આ સફળ કામગીરી બદલ પ્રસૂતાના પરિવારજનોએ 108ની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની સેવાભાવના તથા સમયસરની કામગીરીને બિરદાવી હતી.આ પ્રસંગે જિલ્લાના પ્રોગ્રામ મેનેજર આકાશ સોલંકી તથા જિલ્લા એક્ઝિક્યુટિવ દર્શક યાદવે પણ વર્ષાબેન રાઠોડ અને જગદીશભાઈ સોલંકીને અભિનંદન પાઠવી તેમની ફરજનિષ્ઠા, સમયસુચકતા અને માનવતાભરી સેવાની પ્રશંસા કરી હતી.
108 ઈમરજન્સી સેવા આજના સમયમાં આરોગ્ય ક્ષેત્રે અત્યંત મહત્વની અને વિશ્વસનીય સેવા તરીકે ઉભરી આવી છે, જે કટોકટીની ઘડીએ લોકોને સમયસર સારવાર અને નવજીવન આપવાનું કાર્ય સતત કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya