
પાટણ, 23 જુલાઈ (હિ.સ.) : પાટણના શ્રી સરસ્વતી શિશુમંદિર ખાતે શિશુવાટીકા વિભાગના 57 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સંસ્કારમય વાતાવરણમાં ઉજવાયો. વિદ્યાભારતી ગુજરાતપ્રદેશ સંલગ્ન અને ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત ગીતાબેન રાકેશકુમાર શાહ વિદ્યાસંકુલ દ્વારા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વંદના, અગ્નિહોત્રમ અને પુષ્પવૃષ્ટિ દ્વારા બાળકોને શુભાશિષ આપવામાં આવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓને સારા સંસ્કારો અને ઉત્તમ આચરણ માટે નાના-નાના સંકલ્પ લેવડાવવામાં આવ્યા, જેથી બાળપણથી જ મૂલ્યઆધારિત શિક્ષણનો સંદેશ આપવામાં આવ્યો.
આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ લક્ષ્મણ ભૂતડીયા, પૂર્વ વિદ્યાર્થી ડૉ. જય ધ્રુવ, ભાનુભાઈ સોની, પ્રધાનાચાર્ય કિન્નરી પ્રજાપતિ, તેજસ રાવળ સહિત વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. જન્મદિવસ ધરાવતા બાળકોને તાળીઓના ગડગડાટ સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને અંતે પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ