


પોરબંદર, 23 જુલાઈ (હિ.સ.) : કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારોને સુરક્ષિત અને સન્માનજનક આવાસ ઉપલબ્ધ કરાવવાના હેતુસર વિવિધ લાભાર્થીઓને સહાય આપવામાં આવી રહી છે.
આ યોજના હેઠળ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના છાયા બાલવીનગર વિસ્તારમાં રહેતા લાભાર્થી વિમલ મહેન્દ્રભાઈ સોલંકીને પોતાનું પાકું મકાન બનાવવા માટે 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. વર્ષોથી વિમલભાઈ સોલંકી પોતાના પત્ની અને ત્રણ નાના સંતાનો સાથે જર્જરીત મકાનમાં રહેતા હતા. વરસાદી ઋતુ દરમિયાન મકાનની ખરાબ સ્થિતિને કારણે પરિવારની સુરક્ષા અંગે સતત ચિંતા રહેતી હતી. મકાન ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિમાં હોવાથી પરિવાર અસુરક્ષાની લાગણી વચ્ચે જીવન જીવતો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 હેઠળ સરકારની સહાય મળતાં વિમલભાઈએ નવું પાકું મકાન બનાવ્યું છે. હવે પરિવારને સુરક્ષિત રહેઠાણ મળતાં તેમના જીવનમાં સ્થિરતા અને વિશ્વાસનો નવો સંચાર થયો છે.
લાભાર્થી વિમલ મહેન્દ્રભાઈ સોલંકીએ સરકારશ્રી તથા પોરબંદર મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હું મારી પત્ની અને ત્રણ બાળકો સાથે જર્જરીત મકાનમાં રહેતો હતો. મકાનની ખરાબ સ્થિતિને કારણે પરિવારની સુરક્ષાની સતત ચિંતા રહેતી હતી. સરકારએ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 હેઠળ મને પાકું મકાન બનાવવા માટે 4 લાખ રૂપિયાની સહાય આપી. આ સહાયના કારણે આજે મારું પોતાનું પાકું મકાન બની ગયું છે. હવે મારા પરિવારને કોઈ પ્રકારનો ભય કે ચિંતા નથી. આ સહાય મારા પરિવાર માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે. તેના માટે હું સરકારનો આભાર વ્યક્ત કરું છું.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 નો મુખ્ય હેતુ શહેરી વિસ્તારોમાં વસતા પાત્ર પરિવારોને પાકું, સુરક્ષિત અને તમામ મૂળભૂત સુવિધાઓ ધરાવતું આવાસ ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજના દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવામાં મહત્વપૂર્ણ સહાય મળી રહી છે. પોરબંદર મહાનગરપાલિકાની બાંધકામ શાખા, આવાસ યોજના વિભાગ દ્વારા પાત્ર લાભાર્થીઓને યોજનાનો લાભ સમયસર મળી રહે તે માટે સતત માર્ગદર્શન અને જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya