
પાટણ, 23 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરમાં વહેલી સવારથી વરસેલા વરસાદ દરમિયાન બહુચર માતાની પોળ નજીક મદારસા વિસ્તારમાં બે જર્જરિત મકાનો અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે, મકાન તૂટી પડે તે પહેલાં સામે રહેતા કિરીટ ખમાર અને તેમના પત્ની સમયસર બહાર નીકળી જતાં બંનેનો આબાદ બચાવ થયો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, બંને મકાનો લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતા અને અગાઉ મકાન માલિકોને તેને ઉતારી લેવા સૂચના પણ આપવામાં આવી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં સતત વરસાદના કારણે આખરે બંને મકાનો ધરાશાયી થઈ ગયા.
મકાનોનો કાટમાળ રસ્તા પર ફેલાઈ જતાં બહુચર માતાની પોળ તરફ જતો માર્ગ બંધ થઈ ગયો છે, જેના કારણે સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. લોકોએ તંત્રને તાત્કાલિક કાટમાળ દૂર કરી રસ્તો ખુલ્લો કરવા તેમજ શહેરના અન્ય જર્જરિત મકાનો સામે પણ સમયસર કાર્યવાહી કરવાની માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ