



વડોદરા, 23 જુલાઈ (હિ.સ.) : વડોદરામાં વરસાદની શરૂઆત સાથે જ મહાનગરપાલિકા સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. શહેરમાં પૂર જેવી કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વિશ્વામિત્રી નદીની સ્થિતિનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું અને તંત્રની તૈયારીઓની સમીક્ષા કરી.
વડોદરાના કાલાઘોડા સ્થિત વિશ્વામિત્રી નદીના કિનારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પહોંચ્યા હતા. તેમણે વિશ્વામિત્રી નદીના જળસ્તરનું નિરીક્ષણ કરી વરસાદી પરિસ્થિતિ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.
કમિશનરે જણાવ્યું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દરેક પ્રકારની ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા અલગ-અલગ ટીમો તૈયાર રાખવામાં આવી છે. કંટ્રોલ રૂમ મારફતે પણ સતત વરસાદ, નદીના જળસ્તર અને શહેરની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
આ દરમિયાન તેમણે આજવા સરોવર અને પ્રતાપપુરા ડેમની સ્થિતિ અંગે પણ માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ આજવા સરોવરનું હાલનું જળસ્તર 209 ફૂટ નોંધાયું છે અને સંબંધિત તમામ પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વરસાદી ઋતુને ધ્યાનમાં રાખીને શહેરમાં જોખમરૂપ ગેરકાયદેસર હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત, જોખમી હાલતમાં આવેલી આશરે 1,200 ઇમારતોને નોટિસ ફટકારવામાં આવી હોવાનું પણ કમિશનરે જણાવ્યું.
મહાનગરપાલિકાએ નાગરિકોને પણ વરસાદી પરિસ્થિતિ દરમિયાન સાવચેતી રાખવા અને કોઈપણ ઇમરજન્સીમાં પાલિકાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવાની અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ