

વડોદરા , 23 જુલાઈ (હિ.સ.) દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે વાંસદાથી ચીખલી જવાના માર્ગ પર આવેલા અરનાલા પાટી કોઝવે પર ફરી પાણી ફરી વળ્યું છે. દર ચોમાસે સર્જાતી આ સમસ્યાથી સ્થાનિકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ગ્રામજનોએ કાયમી ઉકેલ તરીકે ઊંચા પુલના નિર્માણની માંગ વધુ જોરશોરથી ઉઠાવી છે.
વાંસદાથી ચીખલી તરફ જતાં નાનાપોંઢા તાલુકાના અરનાલા પાટી ખાતે, કોલક નદી પર આવેલો કોઝવે ભારે વરસાદના કારણે ફરી પાણીમાં ગરકાવ થયો છે.
કોઝવે પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક મુસાફરોએ પાણી ઓસરવાની રાહ જોવી પડી હતી.
સ્થાનિકોનું કહેવું છે કે, દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિ સર્જાય છે, જેના કારણે વિદ્યાર્થીઓ, નોકરીયાત લોકો તેમજ ઇમરજન્સી સેવાઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ગ્રામજનોએ સરકાર અને સંબંધિત તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કાયમી ઉકેલ આવ્યો નથી. હવે તેઓએ અરનાલા પાટી ખાતે ઊંચા પુલના નિર્માણની માંગ ફરી ઉઠાવી છે.
સ્થાનિકોનું માનવું છે કે, ઊંચો પુલ બનશે તો દર ચોમાસે સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને લોકોના જીવનું જોખમ પણ ટાળી શકાશે. હાલ લોકોની નજર તંત્રના આગામી નિર્ણય પર ટકેલી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ