

વડોદરા , 23 જુલાઈ (હિ.સ.) વડોદરામાં વરસાદી માહોલ વચ્ચે જર્જરિત મકાનોનો ખતરો ફરી સામે આવ્યો છે. શહેરના અંબા માતાની પોળ વિસ્તારમાં મધરાતે એક જૂના મકાનની દીવાલ અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
વડોદરા શહેરના અંબા માતાની પોળ વિસ્તારમાં મધરાતે એક જૂના મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. દીવાલ પડવાનો જોરદાર અવાજ સંભળાતા આસપાસના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
સદનસીબે ઘટનાના સમયે દીવાલની આસપાસ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આ ઘટનાએ શહેરમાં આવેલા જર્જરિત મકાનોની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે.
ચોમાસાની ઋતુ દરમિયાન સતત વરસાદને કારણે નબળાં અને જૂનાં મકાનો વધુ જોખમી બની જાય છે. તેમ છતાં આવા મકાનો અંગે સમયસર કાર્યવાહી થઈ રહી છે કે નહીં તે અંગે સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ છે.
સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકાને જર્જરિત મકાનોનું તાત્કાલિક સર્વેક્ષણ કરી જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ ગંભીર અકસ્માત ન સર્જાય. હાલ સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ