સુરતના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા: ભેદવાડ અને સીમાડા ખાડી ભયજનક સપાટીથી ઉપર, અનેક માર્ગો બંધ
સુરત, 23 જુલાઈ (હિ.સ.)-સુરત શહેર અને જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ગુરુવારે સવારે જ અનેક ખાડીઓ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. ભેદવાડ અને સીમાડા ખાડીએ ભયજનક સપાટી વટાવી દેતાં તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. અનેક
સુરતના ખાડી ભયજનક સપાટીથી ઉપર


સુરત, 23 જુલાઈ (હિ.સ.)-સુરત શહેર અને જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ગુરુવારે સવારે જ અનેક ખાડીઓ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. ભેદવાડ અને સીમાડા ખાડીએ ભયજનક સપાટી વટાવી દેતાં તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો, જ્યારે સુરક્ષાના કારણોસર કેટલાક માર્ગો બંધ કરવાની ફરજ પડી હતી.

મળતી માહિતી મુજબ, ભેદવાડ ખાડીની ભયજનક સપાટી 7.20 મીટર સામે સવારે તેનું જળસ્તર 7.60 મીટર સુધી પહોંચી ગયું હતું. જ્યારે સીમાડા ખાડીની ભયજનક સપાટી 4.50 મીટર સામે પાણીનું સ્તર 4.70 મીટર નોંધાયું હતું. બંને ખાડીઓનું પાણી આસપાસના વિસ્તારોમાં ઘૂસી જતાં અનેક સ્થળોએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. કોસાડ સામુહિક આરોગ્ય કેન્દ્રના કેમ્પસમાં પણ પાણી ભરાઈ જતાં દર્દીઓ અને સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

કુંભારીયા અને ભરત કેન્સર હોસ્પિટલ વિસ્તાર પાણીમાં ગરકાવ

કુંભારીયા ખાડી ઓવરફ્લો થતાં મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ભરત કેન્સર હોસ્પિટલ આસપાસ પણ ખાડીનું પાણી ઘૂસી જતાં સમગ્ર વિસ્તાર જળમગ્ન બની ગયો હતો. અનેક સ્થળોએ રસ્તાઓ પર પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો હતો અને માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.

સારોલી પોલીસ સ્ટેશન પાણીથી ઘેરાયું

સારોલી ગામમાં પણ સ્થિતિ ગંભીર બની હતી. ખાડી ઓવરફ્લો થતાં સારોલી પોલીસ સ્ટેશન સંપૂર્ણપણે પાણીથી ઘેરાઈ ગયું હતું. પોલીસ સ્ટેશન તરફ જવાના માર્ગ પર અંદાજે 6થી 7 ફૂટ પાણી ભરાઈ જતાં રસ્તો સંપૂર્ણપણે બંધ કરવો પડ્યો હતો. પોલીસ સ્ટેશનની આસપાસ પણ 5થી 6 ફૂટ પાણી ભરાતા કામગીરી પર અસર પહોંચી હતી.

ખાડીના પાણી ગામની બહાર જવાના મુખ્ય માર્ગ પર ફરી વળતાં સારોલી ગામનો સંપર્ક પણ ખોરવાઈ ગયો હતો. તંત્રએ સ્થાનિકોને સલામત સ્થળે રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરી છે.

માધવબાગ અને મહારાણા પ્રતાપ ચોકમાં પણ પાણી

માધવબાગ વિસ્તારમાં પણ ખાડીનું પાણી પ્રવેશતાં લોકોમાં ચિંતાનો માહોલ છે. જ્યારે મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલી ગંગા હોટલ બહાર પણ પાણી ફરી વળ્યા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર ખાડીઓના જળસ્તર પર સતત નજર રાખી રહ્યું છે.

જો વરસાદ યથાવત રહેશે તો નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને રાહત અને બચાવ કામગીરી માટે વિવિધ વિભાગોને સતર્ક રાખવામાં આવ્યા છે.

સવારે 9 વાગ્યે સુરતમાંથી પસાર થતી ખાડીઓની સ્થિતિ

ખાડીનું નામ-

ભેદવાડ ખાડી

ભયજનક સપાટી (મીટર) 7.20

હાલનું જળસ્તર (મીટર) 7.60

મીઠી ખાડી

ભયજનક સપાટી (મીટર)9.35

હાલનું જળસ્તર (મીટર)8.75

ભાઠેના ખાડી

ભયજનક સપાટી (મીટર)8.25

હાલનું જળસ્તર (મીટર)6.85

સીમાડા ખાડી

ભયજનક સપાટી (મીટર)4.50

હાલનું જળસ્તર (મીટર)4.70

કાંકરા ખાડી

ભયજનક સપાટી (મીટર)8.48

ભયજનક સપાટી (મીટર)

માહિતી ઉપલબ્ધ નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande