
જામનગર, 23 જુલાઈ (હિ.સ.) : જામનગર તાલુકાના દડિયા ગામે મકાનના ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન એક મહિલાએ ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી છે. આ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ બાબાસાહેબ આંબેડકર હોલની બાજુમાં રહેતા મંજુબેન ભરતભાઈ દનેચાએ મકાન તોડવાની કાર્યવાહી દરમિયાન ફિનાઈલ પી લીધું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી.
તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા મહિલાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ બનાવ બાદ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt