ચીખલી ગામના સિંગોડી ફળિયાના કુલ 31 અસરગ્રસ્તો, રાજીવનગર અને રામકિશન કોલોનીમાંથી 110 જેટલા અસરગ્રસ્તોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર
સુરત, 23 જુલાઈ (હિ.સ.) : આરોગ્ય રાજ્ય મંત્રી તથા કામરેજના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયાના પ્રત્યક્ષ માર્ગદર્શન અને સતત દેખરેખ હેઠળ ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા કામરેજ વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
Surat


સુરત, 23 જુલાઈ (હિ.સ.) : આરોગ્ય રાજ્ય મંત્રી તથા કામરેજના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયાના પ્રત્યક્ષ માર્ગદર્શન અને સતત દેખરેખ હેઠળ ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા કામરેજ વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

મંત્રીના સૂચન અનુસાર ગ્રાઉન્ડ ઝીરો પર તા.પં.ના પ્રમુખ કૌશલભાઈ, સુચેતનભાઈ, મહેશભાઈ, જિ.પં.સભ્ય પરેશભાઈ, વેલંજાના કોર્પોરેટર મનીષાબેન ખેર, પ્રફુલભાઈ, જયસુખભાઈ અજોડિયા, તા.પં.સભ્ય કિશોરભાઈ દુધાત સહિત જિલ્લા,તાલુકા પંચાયતની સમગ્ર ટીમ તથા સંગઠનના કાર્યકર્તાઓ આખી રાત પ્રશાસન સાથે ખડેપગે રહ્યા હતા. આ સંયુક્ત ટીમે નીચાણવાળા અને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પરિવારોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી.

ચીખલી ગામના સિંગોડી ફળિયામાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાને લઈ કુલ 31 વ્યક્તિઓનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જે પૈકી 18 વ્યક્તિઓને સ્થાનિક શાળામાં અને 13 વ્યક્તિઓ પોતાના સગા-સંબંધીઓને ત્યાં આશ્રય મેળવ્યો છે. આ તમામ નાગરિકો માટે સવારના નાસ્તા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.

રાજીવનગર અને રામકિશન કોલોનીમાંથી સ્થળાંતરિત કરાયેલા અંદાજે 100થી 110 અસરગ્રસ્તોને આશ્રય આપવામાં આવ્યો છે. અહીં આશ્રય મેળવેલા લોકો માટે ભોજન, શુદ્ધ પીવાનું પાણી, દવા સહિત અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ છે.

મંત્રી પાનશેરીયા વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને સ્થાનિક પ્રશાસન સાથે જીવંત સંપર્કમાં રહીને જરૂરિયાત મુજબ તાત્કાલિક રાહત-બચાવ સામગ્રી પહોંચાડવા માટે જરૂરી દિશાનિર્દેશો આપી રહ્યા છે.

ભારે વરસાદની આ પરિસ્થિતિમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તમામ નાગરિકોને ધૈર્ય જાળવવા અને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે. તેમણે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો છે. કોઈપણ આપાતકાલીન સ્થિતિ કે મદદની જરૂરિયાત જણાય તો તાત્કાલિક સ્થાનિક પ્રશાસન અથવા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande