જેતપુર રેલવે સ્ટેશનથી હવે બેગ્ડ ગુડ્સનું રેલ માર્ગે માલ પરિવહન શરૂ
ભાવનગર 24 જુલાઈ (હિ.સ. ) પશ્ચિમ રેલવેએ ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના પ્રયત્નોથી માલ પરિવહન સુવિધાઓના વિસ્તરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ અંતર્ગત ભાવનગર મંડળના જેતપુર (JTP) રેલવે સ્ટેશનને પેટ્રોલિયમ ઉત્પાદનો (POL), લૂઝ કાર્ગ
જેતપુર રેલવે સ્ટેશનથી હવે બેગ્ડ ગુડ્સનું રેલ માર્ગે માલ પરિવહન શરૂ


ભાવનગર 24 જુલાઈ (હિ.સ. ) પશ્ચિમ રેલવેએ ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના પ્રયત્નોથી માલ પરિવહન સુવિધાઓના વિસ્તરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ અંતર્ગત ભાવનગર મંડળના જેતપુર (JTP) રેલવે સ્ટેશનને પેટ્રોલિયમ ઉત્પાદનો (POL), લૂઝ કાર્ગો તથા ક્રેન કન્સાઇનમેન્ટને બાદ કરતાં તમામ પ્રકારના બેગ્ડ તથા અન્ય અનુમતિપ્રાપ્ત માલના રેલ માર્ગે પરિવહન માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. સક્ષમ સત્તાધિકારીની મંજૂરી બાદ આ સુવિધા તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવી છે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, જેતપુર વિસ્તાર કાપડ ઉદ્યોગ અને ટેક્સટાઇલ પ્રિન્ટિંગ માટેનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. ઉપરાંત આસપાસના વિસ્તારમાં મગફળી, કપાસ, અનાજ તથા અન્ય બેગ્ડ કૃષિ ઉત્પાદનોનું પણ મોટા પાયે ઉત્પાદન અને વેપાર થાય છે. રેલવે દ્વારા માલ પરિવહનની સુવિધા ઉપલબ્ધ થતાં સ્થાનિક ઉદ્યોગો, વેપારીઓ અને ખેડૂતોને તેમના ઉત્પાદનો દેશના વિવિધ ભાગોમાં સુરક્ષિત, કિફાયતી, ઝડપી તથા પર્યાવરણમૈત્રી માધ્યમ દ્વારા પહોંચાડવાનો વધુ સારો વિકલ્પ મળશે.

આ નવી સુવિધાથી માર્ગ પરિવહન પરની નિર્ભરતા ઘટશે, લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે તેમજ સપ્લાય ચેઇન વધુ કાર્યક્ષમ અને વિશ્વસનીય બનશે. સાથે જ વિસ્તારમાં મલ્ટીમોડલ લોજિસ્ટિક્સને પણ પ્રોત્સાહન મળશે, જેના પરિણામે સ્થાનિક વેપાર અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને નવી ગતિ મળશે. જેતપુરથી રેલ માર્ગે માલ લાદણીમાં વધારો થતાં રેલવેની માલ આવકમાં પણ વૃદ્ધિ થવાની સંભાવના છે.

રેલવે પ્રશાસને કામગીરીને વધુ સુગમ બનાવવા માટે જૂનાગઢ સ્ટેશનને જેતપુરથી બુક થનારા માલ પરિવહન માટે FOIS પ્રવૃત્તિઓ તથા રેલવે રસીદ (RR) જારી કરવા માટે નોડલ સ્ટેશન તરીકે નિયુક્ત કર્યું છે. ઉપરાંત, જેતપુરથી લોડ થતી રેકોના વજનની ચકાસણી માટે વિરમગામ સ્થિત ઇલેક્ટ્રોનિક ઇન-મોશન વેઇબ્રિજને સંલગ્ન વેઇબ્રિજ તરીકે નિર્ધારિત કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં ગોંડલ વેઇબ્રિજ કાર્યરત થયા બાદ તેને સંલગ્ન વેઇબ્રિજ તરીકે નિયુક્ત કરવામાં આવશે.

મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે પોતાના ગ્રાહકોને આધુનિક, સુવિધાજનક અને ગ્રાહકકેન્દ્રિત માલ પરિવહન સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નશીલ છે. જેતપુર રેલવે સ્ટેશન પર માલ પરિવહન સુવિધા શરૂ થવાથી પ્રદેશના આર્થિક વિકાસને નવી ગતિ મળશે તેમજ સ્થાનિક ઉદ્યોગો, વેપારીઓ અને ખેડૂતોને રેલ પરિવહનનો મહત્તમ લાભ મળશે. ભાવનગર મંડળે વેપારીઓ અને ઉદ્યોગકારોને આ સુવિધાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande