
ભાવનગર, 24 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં આપત્તિ સમયે ઝડપી અને અસરકારક રાહત કામગીરી માટે સ્થાનિક સ્તરે સજ્જ સ્વયંસેવકો તૈયાર કરવાના હેતુથી મેરા યુવા ભારત (MY Bharat)ના 66 સ્વયંસેવકો માટે સાત દિવસીય નિવાસી તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અને ગુજરાત સરકારની ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) દ્વારા અમલમાં મુકાયેલી 'યુવા આપદામિત્ર' યોજના અંતર્ગત જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને સ્પીપા પ્રાદેશિક તાલીમ કેન્દ્રના સંકલનથી નટરાજ, પી.એન.આર. સોસાયટી, કાળિયાબીડ ખાતે તાલીમ યોજાઈ હતી.
તાલીમ દરમિયાન સ્વયંસેવકોને કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો સામનો કરવાની પદ્ધતિ, બચાવ કામગીરી, પ્રાથમિક સારવાર, આગ જેવી દુર્ઘટનાઓમાં સુરક્ષા, પૂર અને વાવાઝોડા દરમિયાન બચાવ કામગીરી સહિત અનેક મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આપદામિત્રોના માસ્ટર ટ્રેનર્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ નિષ્ણાતો, ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ, 108 ઇમરજન્સી સેવા, એનડીઆરએફની ટીમ તેમજ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ફાઉન્ડેશનના હર્ષભાઈ સહિતના નિષ્ણાતોએ તાલીમાર્થીઓને પ્રાયોગિક અને સૈદ્ધાંતિક બંને પ્રકારની તાલીમ આપી હતી.
બોરતળાવ ખાતે એનડીઆરએફની ટીમ દ્વારા વોટર રેસ્ક્યુની પ્રેક્ટિકલ તાલીમ અપાઈ હતી, જ્યારે કાળાતળાવ સ્થિત નિરમા લિમિટેડની મુલાકાત દરમિયાન કેમિકલ અને ઔદ્યોગિક આપત્તિઓ અંગેની મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
તાલીમ પૂર્ણ કરનાર તમામ સ્વયંસેવકોને આપદામિત્ર તરીકેના ઓળખપત્રો આપવામાં આવ્યા છે. આગામી સમયમાં તેમને પ્રમાણપત્ર, વીમા સુરક્ષા અને રેસ્ક્યુ કીટ પણ આપવામાં આવશે. આ તાલીમ દ્વારા જિલ્લામાં આપત્તિ સમયે સ્થાનિક સ્તરે પ્રશિક્ષિત અને સજ્જ યુવા સ્વયંસેવકોનું મજબૂત નેટવર્ક ઉભું થશે, જે આપત્તિ વ્યવસ્થાપનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA