
જામનગર, 24 જુલાઈ (હિ.સ.) :
જામનગર શહેરના વિરલ બાગ નજીક આજે એક જર્જરિત ઈમારતની દીવાલ અચાનક ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દીવાલ તૂટી પડતાં તેની બાજુમાં આવેલો પોલ પણ ધરાશાયી થયો હતો.
દીવાલનો કાટમાળ નજીક પાર્ક કરેલી એક કાર પર પડતાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિક રહિશોનું કહેવું છે કે આ જર્જરિત દીવાલ અંગે અગાઉ અનેક વખત સંબંધિત તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી. છતાં સમયસર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી, જેના કારણે આજે આ ઘટના બની હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ઘટનાને પગલે લોકોમાં તંત્રની બેદરકારી સામે રોષ જોવા મળ્યો હતો.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા અને નુકસાનગ્રસ્ત વિસ્તારને સુરક્ષિત બનાવવાની તેમજ જર્જરિત ઈમારતો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt