
પાટણ, 24 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સરસ્વતી તાલુકાના એક યુવક સામે સગીરાને લગ્નનું વચન આપી પ્રેમસંબંધ બાંધ્યા બાદ વારંવાર શારીરિક શોષણ કર્યાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, આરોપી ઋત્વીક રાજેશભાઈ મેવાડાએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે સંબંધ બાંધ્યો હતો. બાદમાં બંનેના સેલ્ફી ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી સગીરાની મરજી વિરુદ્ધ અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કંટાળેલી સગીરાએ આખરે પોલીસનો આશરો લીધો હતો.
પોલીસે આરોપી સામે BNSની કલમ 64(2)(એમ), 87 અને 351(3) ઉપરાંત પોક્સો એક્ટની કલમ 4, 5(એલ), 6 અને 12 હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ