
અમદાવાદ, 24 જુલાઈ (હિ.સ.) : અમદાવાદ જિલ્લામાં સાર્વત્રિક અને ભારે વરસાદના પગલે સર્જાયેલી વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને SDRFની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
સાણંદના સરી ખાતે આવેલા ગેલોપ્સ ઈન્ડસ્ટ્રિયલ પાર્કમાં પાણી ભરાઈ જતાં વિવિધ કંપનીઓના પ્લાન્ટ્સમાં અનેક કર્મચારીઓ ફસાઈ ગયા હતા. આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને SDRFની ટીમે તાત્કાલિક બોટ મારફતે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી તમામ લોકોને સલામત સ્થળે ખસેડવાની ત્વરિત કામગીરી હાથ ધરી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્તો માટે આશ્રય તેમજ ખોરાક અને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
બીજી તરફ, વિરમગામ શહેરના જોગમાયાનગર વિસ્તારમાં મુશળધાર વરસાદને કારણે પાણી ભરાઈ જતાં નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થાનિક પોલીસ અને જિલ્લા તંત્રના સંકલન થકી હાથ ધરવામાં આવેલા સફળ રેસ્ક્યૂ ઓપરેશનમાં આશરે 150 જેટલા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
આ ઉપરાંત, ધોળકાના ભગલપુર-લીલજપુર ખાતે આવેલા ડૉ. બી.આર. આંબેડકર કન્યા છાત્રાલયમાં પાણી ભરાતાં તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરીને 45 દીકરીઓ અને 02 સ્ટાફ સભ્યોને સલામત રીતે બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
બચાવવામાં આવેલા તમામ નાગરિકો અને છાત્રાઓ માટે જરૂરી તમામ રાહત સામગ્રી, ખોરાક અને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. હાલ સમગ્ર અમદાવાદ જિલ્લામાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે અને વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને સાવચેત તેમજ સુરક્ષિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ