
જામનગર, 24 જુલાઈ (હિ.સ.) :
જામનગર શહેરના મોચીસાર વિસ્તારમાં મધરાતના સમયે વરસતા વરસાદનો લાભ લઈ ઘરની બહાર પાર્ક કરવામાં આવેલા ટુ-વ્હીલરની ચોરી કરવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ તસ્કરોએ મકાનમાલિક પર ઈંટોથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોચીસાર વિસ્તારમાં એક મકાનની બહાર ટુ-વ્હીલર પાર્ક કરવામાં આવ્યું હતું. મધરાતના સમયે ત્રણ અજાણ્યા શખ્સો વાહનની ચોરી કરવાની પેરવી કરી રહ્યા હતા. દરમિયાન અવાજ થતાં મકાનમાલિક જાગી ગયા હતા અને ઘરની બહાર આવી તસ્કરોને પડકાર્યા હતા.
મકાનમાલિક જાગી જતાં પકડાઈ જવાના ભયથી ત્રણેય તસ્કરોએ તેમની તરફ ઈંટોના ઘા કર્યા હતા અને ત્યારબાદ અંધારાનો લાભ લઈ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.
આ બનાવ અંગે મકાનમાલિક દ્વારા ત્રણેય અજાણ્યા તસ્કરો વિરુદ્ધ જામનગરના સિટી 'એ' ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી તસ્કરોની ઓળખ મેળવવા અને તેમને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt