
નવસારી, 24 જુલાઈ (હિ.સ.): નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવસારી જિલ્લામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિનો સ્થળ પર જઈ તાગ મેળવ્યો હતો. તેમણે નવસારી શહેરના ટાટા હાઈસ્કુલ વિસ્તારની મુલાકાત લઈને વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું તેમજ સંબંધિત અધિકારીઓ પાસેથી વર્તમાન પરિસ્થિતિ અને ચાલી રહેલી રાહત કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીએ ટાટા હાઈસ્કુલ સ્થિત આશ્રયસ્થાનની મુલાકાત લઈ સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરાયેલા પરિવારો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. તેમણે આશ્રયસ્થાનમાં રહેલા વૃદ્ધ મહિલા, નાનકડી બાળકી સહિત અન્ય નાગરિકો સાથે આત્મીયતાપૂર્વક વાતચીત કરી તેમની સુખાકારી, જરૂરિયાતો તેમજ ઉપલબ્ધ સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી.
નાયબ મુખ્યમંત્રીએ આશ્રયસ્થાનમાં ઉપલબ્ધ ભોજન, પીવાના પાણી, આરોગ્ય સેવાઓ તથા અન્ય આવશ્યક સુવિધાઓની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા, જેથી અસરગ્રસ્ત લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે.
આ ઉપરાંત, તેમણે સ્થાનિક રહેવાસીઓ સાથે સીધો સંવાદ સાધી ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. સ્થાનિકોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર અસરગ્રસ્ત નાગરિકોની સાથે અડગપણે ઉભા છે અને જરૂરી તમામ રાહત, સહાય અને પુનઃસ્થાપનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.
આ મુલાકાત દરમિયાન વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ , જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તથા સ્થાનિક પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા
હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે