
જામનગર, 24 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરમાં દારૂના નશામાં ઘરમાં તોફાન મચાવનાર પુત્રને તેના વૃદ્ધ પિતાએ જ પોલીસને સોંપ્યાની ઘટના સામે આવી છે. સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ન્યૂ હર્ષદ મિલની ચાલી, 80 ફૂટ રોડ, મહાપાન સામે રહેતા હમીરભાઈ ઘેલાભાઈ સાદીયા એ ફરિયાદ નોંધાવી હતી કે તેમનો પુત્ર રાજેશ હમીરભાઈ સાદીયા દારૂના નશામાં ઘરે આવી ગાળો બોલી ઝઘડો અને હોબાળો કરી રહ્યો હતો.
પરિસ્થિતિ બેકાબૂ બનતા હમીરભાઈ પોતાના પુત્રને રિક્ષામાં બેસાડી સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. પોલીસે પંચોની હાજરીમાં તપાસ કરતાં રાજેશભાઈની આંખો લાલચોળ હોવાનું, જીભ થથરાતી હોવાનું તેમજ શરીરનું સંતુલન જાળવી શકતો ન હોવાનું જણાયું હતું.
પોલીસે કેફી પીણું પીવાની પરમિટ માંગતા તેની પાસે કોઈ પાસ-પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt