
જામનગર, 24 જુલાઈ (હિ.સ.) :જામનગર શહેરની જાણીતી બાલાર્ક મેટલ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા દાખલ કરાયેલા ચેક રિટર્ન કેસમાં જામનગરની અદાલતે કંપનીના પૂર્વ કર્મચારીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની રકમ જેટલો દંડ અને વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
કેસની વિગતો મુજબ, બાલાર્ક મેટલ્સ પ્રાઈવેટ લિમિટેડમાં આસિસ્ટન્ટ શોપ ફ્લોર ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા જાડેજા જયેન્દ્રસિંહ મનુભાએ અંગત જરૂરિયાત માટે કંપની પાસેથી રૂ. 1,50,000ની લોન લીધી હતી. લોનની રકમ માસિક રૂ. 5,000ના હપ્તાથી પરત ચૂકવવાની શરત હતી. આરોપીએ રૂ. 61,832ની ચુકવણી કર્યા બાદ બાકીના હપ્તા નિયમિત ભર્યા નહોતા.
બાકી લેણાં પેટે આરોપીએ કંપનીના નામે રૂ. 88,168નો યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, જામનગર શાખાનો ચેક આપ્યો હતો અને ચેક ક્લિયર થવાની ખાતરી આપી હતી. જોકે, કંપનીએ ચેક બેંકમાં રજૂ કરતાં તે ફંડ ઇનસફિશિયન્ટ ના કારણસર પરત ફર્યો હતો.
ત્યારબાદ કંપની દ્વારા વકીલ મારફતે કાયદેસરની નોટિસ પાઠવવામાં આવી હતી. છતાં આરોપીએ ન તો નોટિસનો જવાબ આપ્યો અને ન તો ચેકની રકમની ચુકવણી કરી. પરિણામે કંપનીએ જામનગરની અદાલતમાં નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી.
આ કેસની સુનાવણી જામનગરના પાંચમા એડિશનલ સિનિયર સિવિલ જજ તથા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતમાં ચાલી હતી. સમગ્ર પુરાવા અને બંને પક્ષની દલીલોને ધ્યાને લઈ અદાલતે આરોપી જાડેજા જયેન્દ્રસિંહ મનુભાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 278(2) હેઠળ તથા નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881ની કલમ 138 મુજબ દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદ, રૂ. 88,168નો દંડ તેમજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 395(3) હેઠળ ફરિયાદી કંપનીને રૂ. 88,168 વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt