
જામનગર, 24 જુલાઈ (હિ.સ.) : જામનગરની સત્ય સાંઈ વિદ્યાલયના ચેરમેન મહારાજા જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ વિદ્યાલયના વાલીઓ અને વિદ્યાર્થીઓને સંબોધતા મહત્વપૂર્ણ નિવેદન જાહેર કર્યું છે. તેમણે જણાવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી વાલીઓ તરફથી તેમને સંદેશાઓ મળી રહ્યા હતા કે તેઓ શાળાના શિક્ષણ અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે વધુ સમય ફાળવીને સંસ્થાના સંચાલનમાં સક્રિય રીતે જોડાય.
જામસાહેબે જણાવ્યું કે પોતાની નબળી તબિયતને કારણે તેઓ થોડા સમય માટે શાળાના સંચાલન પર વ્યક્તિગત રીતે પૂરતું ધ્યાન આપી શક્યા નહોતા. આ દરમિયાન લેવાયેલા કેટલાક નિર્ણયોને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની અગવડતાઓનો સામનો કરવો પડ્યો હતો, જે બદલ તેમણે ક્ષમાયાચના વ્યક્ત કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે હવે ટૂંક સમયમાં એવી નવી અને સુદ્રઢ વહીવટી ગોઠવણ કરવામાં આવશે, જેના આધારે ભવિષ્યમાં આવા અયોગ્ય નિર્ણયો સંસ્થાના નિયમો અને કાર્યપદ્ધતિને અસર કરી શકશે નહીં. અગાઉ કરતાં પણ વધુ ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ, પારદર્શક વહીવટ અને વિદ્યાર્થીઓના હિતને કેન્દ્રમાં રાખી નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે.
જામસાહેબે વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું કે વાલીઓનો વિશ્વાસ અને પ્રેમ તેમની આ પહેલને સફળ બનાવશે. શ્રી સત્ય સાંઈ બાબાના આશીર્વાદથી હાલારના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર અને ઉચ્ચ શિક્ષણ મળે તે હેતુથી વિશાળ સંકુલમાં શરૂ કરાયેલી આ શાળાએ જામનગર, ગુજરાત અને સમગ્ર દેશને અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ આપ્યા છે અને ભવિષ્યમાં પણ વધુ સંખ્યામાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ઘડતી રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt