
જામનગર, 24 જુલાઈ (હિ.સ.) : જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની વણસતી સ્થિતિના બોલતા પુરાવા સમાન વધુ એક હત્યાની ઘટના સામે આવ્યા ખળભળાટ મચી ગયો છે. શહેરના મહાપ્રભુજીની બેઠક નજીક રાજમોતી સોસાયટીમાં ગૃહ કંકાશના લોહિયાળ અંત સમાન પતિએ જ પત્નીને ગળામાં અને માથામાં દાતરડા તથા ધારીયા જેવા તીક્ષણ હથીયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા હાહાકાર મચી ગયો છે. લગ્નના પાંચ મહિનામાં જ પતિએ પત્નીની હત્યા કરતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ફરિયાદી પરસોતમભાઈ શાંતીલાલ સોનગરા (ઉ.વ.28 રહે. મહાપ્રભૂજીની બેઠક, મેરીયા કોલોની વાડી વિસ્તાર, કલ્યાણેશ્વર મહાદેવ મંદિર પાછળ, જામનગર) એ આરોપી એવા બનેવી મનિષ નાગજીભાઇ કછેટીયા (રહે.મહાપ્રભુજીની બેઠક રાજમોતી સોસાયટી-3 જામનગર) સામે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેના બહેન વર્ષાબેનના લગ્ન તા. 13 ફેબ્રુઆરી રોજ મનીષ સાથે થયા હતા. જોકે લગ્ન બાદ અવાર નવાર ડખ્ખા થતા હતા.
તા.12 જુલાઈના રોજ વર્ષાબેન અને મનીષ વચ્ચે ઘરકંકાસ દરમિયાન ભારે ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાઇ ગયેલા મનીષે પત્ની વર્ષાબેનના માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાથી તે મૃત્યુ થયાની ફરિયાદીના બનેવીના મોટાભાઈ રાજેશભાઈ નાગજીભાઈ કછટીયાનો ફોન કરી જણાવ્યું હતું.
બાદમાં ફરિયાદી પોતાના માતા-પિતા અને અન્ય પરિવારજનો સાથે જી.જી.હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં વર્ષાબેનનો મૃતદેહ જોતા તેમના માથા અને ગળાના ભાગે ધારીયા અથવા દાતરડા જેવા તીક્ષ્ણ હથિયારના ગંભીર ઘા જોવા મળ્યા હતા. આ ઇજાઓના આધારે ફરિયાદીએ પોતાની બહેનની હત્યા પતિ મનીષભાઈએ જ કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
ફરિયાદમાં જણાવેલ વિગત મુજબ લગ્ન બાદથી જ વર્ષાબેન અને તેના પતિ વચ્ચે અવારનવાર નાની-મોટી બાબતોમાં ઘરકંકાસ ચાલતો હતો. તા.17 જુલાઈ, 2026ના રોજ વર્ષાબેન પિયર આવી હતી. તે સમયે તેણે પરિવારજનોને જણાવ્યું હતું કે તેનો પતિ વારંવાર ‘તું મને ગમતી નથી, તને રાખવી નથી‘ કહી માનસિક ત્રાસ આપતો હતો અને સતત ઝઘડા કરતો હતો. આ બાબતને ગંભીરતાથી લઈ ફરિયાદીના પરિવારજનોએ મનીષભાઈના માતા લીલીબેન, ભાઈ રાજેશભાઈ, ભાભી હર્ષીદાબેન, તેમજ કાકા વશરામભાઈ અને દેવેન્દ્રભાઈ કછટીયા સહિતના સગાઓને બોલાવી સમાધાન કરાવ્યું હતું.
બાદમાં 23 જુલાઈના રોજ ફરી થયેલા ઝઘડામાં મનીષભાઈએ ધારીયા અથવા દાતરડા જેવા તીક્ષ્ણ હથિયાર વડે માથા અને ગળાના ભાગે ઘાતક હુમલો કરી વર્ષાબેનની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt