સદી જૂના વારસાથી આધુનિક પશુચિકિત્સા શિક્ષણ સુધી : જૂનાગઢ વેટનરી કોલેજ ઘડી રહી છે, આવતીકાલના પશુચિકિત્સકો
જૂનાગઢ, 24 જુલાઈ (હિ.સ.) શિક્ષણ ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે જ્ઞાન સાથે સેવા, સંવેદના અને સમાજપ્રતિની જવાબદારી પણ શીખવે. સદી જૂના ગૌરવશાળી વારસા સાથે કાર્યરત કામધેનુ યુનિવર્સિટી સંચાલિત પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢ આજે રાજ્યના
સદી જૂના વારસાથી આધુનિક પશુચિકિત્સા શિક્ષણ સુધી


જૂનાગઢ, 24 જુલાઈ (હિ.સ.) શિક્ષણ ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે જ્ઞાન સાથે સેવા, સંવેદના અને સમાજપ્રતિની જવાબદારી પણ શીખવે. સદી જૂના ગૌરવશાળી વારસા સાથે કાર્યરત કામધેનુ યુનિવર્સિટી સંચાલિત પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢ આજે રાજ્યના અગ્રણી વેટનરી શિક્ષણ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. આધુનિક શૈક્ષણિક સુવિધાઓ, સંશોધન આધારિત અભ્યાસ, અનુભવી ફેકલ્ટી, અદ્યતન પશુ હોસ્પિટલ અને વિશાળ પશુ ઉચ્છેર કેન્દ્રના સમન્વયથી આ સંસ્થા વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય શિક્ષણ અને ઉજ્જવળ કારકિર્દી માટે સશક્ત બનાવી રહી છે.

મહાવિદ્યાલયના આચાર્ય , ડૉ. એમ.ડી. ઓડેદરાના જણાવ્યાનુસાર જૂનાગઢનું પશુ ઉચ્છેર કેન્દ્ર (Cattle Breeding Farm) દેશના સૌથી જૂના અને વિશાળ ગીર ગાય સંવર્ધન કેન્દ્રોમાંનું એક છે. ઈ.સ. ૧૯૨૦માં તત્કાલીન જૂનાગઢના નવાબ દ્વારા સ્થાપિત આ કેન્દ્ર આજે લગભગ ૧૮૪ હેક્ટર વિસ્તારમાં ગીર ગાય અને જાફરાબાદી ભેંસોના સંવર્ધન માટે રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ધરાવે છે. સમયાંતરે ગુજરાત સરકાર, ગુજરાત કૃષિ યુનિવર્સિટી અને હાલમાં કામધેનુ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા સતત વિકાસના નવા સોપાનો સર કરી રહી છે.

ડૉ. ઓડેદરાએ જણાવ્યું કે મહાવિદ્યાલયમાં દર વર્ષે વેટનરી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ધોરણો મુજબ ૧૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે, જેમાં vci ક્વોટા અનુસાર ૧૫ ટકા બેઠકો અને ૮૫ ટકા બેઠકો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અનામત છે. અહીં B.V.Sc. & A.H., B.F.Sc., B.Tech. (Dairy Technology) ઉપરાંત અનુસ્નાતક અને Ph.D. સુધીના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ છે. B.V.Sc. & A.H.માં પ્રવેશ માટે NEET ફરજિયાત છે, જ્યારે અન્ય અભ્યાસક્રમોમાં યુનિવર્સિટીના નિયમો મુજબ પ્રવેશ આપવામાં આવે છે.

ડૉ. ઓડેદરાએ વધુમાં જણાવ્યું કે મહાવિદ્યાલયમાં ડિજિટલ ક્લાસરૂમ, સમૃદ્ધ લાયબ્રેરી, અદ્યતન પ્રયોગશાળાઓ, કોન્ફરન્સ હોલ, સંશોધન વિભાગો અને ફિલ્ડ ટ્રેનિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાનની સાથે પ્રાયોગિક અનુભવ મળે તે માટે પશુ હોસ્પિટલ, પશુ ઉચ્છેર કેન્દ્ર અને વિવિધ સંશોધન એકમોમાં નિયમિત તાલીમ આપવામાં આવે છે. સાથે જ પ્લેસમેન્ટ માર્ગદર્શન, કારકિર્દી કાઉન્સેલિંગ, નિષ્ણાતોનું માર્ગદર્શન તથા એન.એસ.એસ. જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે.

મહાવિદ્યાલય સાથે સંકળાયેલી આધુનિક પશુ હોસ્પિટલ વિશે માહિતી આપતાં પ્રોફેસર અને પશુચિકિત્સક ડૉ. આર.એચ. ભટ્ટે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો પોતાના પશુઓની સારવાર માટે આવે છે. અહીં દર વર્ષે ૧૫ હજારથી વધુ કેસોની નોંધણી અને સારવાર કરવામાં આવે છે. હોસ્પિટલમાં રેડિયોગ્રાફી (X-Ray), સોનોગ્રાફી, હિમેટોલોજી, બાયોકેમિકલ એનાલાઇઝર સહિતની આધુનિક નિદાન સુવિધાઓ ઉપલબ્ધ છે અને પશુઓને વિનામૂલ્યે સારવાર તથા દવાઓ પૂરી પાડવામાં આવે છે. આ જ હોસ્પિટલ વિદ્યાર્થીઓ માટે જીવંત ક્લિનિકલ તાલીમ કેન્દ્ર તરીકે પણ કાર્ય કરે છે, જ્યાં તેઓ અનુભવી ડોક્ટરોના માર્ગદર્શન હેઠળ વ્યવહારુ જ્ઞાન મેળવે છે.

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પીપળવા ગામની વિદ્યાર્થીની મહિમા ગામીત જણાવે છે કે મહાવિદ્યાલયમાં અભ્યાસ દરમિયાન થિયરીની સાથે ગુણવત્તાસભર પ્રેક્ટિકલ તાલીમ અને પાયાનું વૈજ્ઞાનિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. વાઇલ્ડ લાઇફ ક્ષેત્રે કાર્ય કરીને મૂંગા પશુઓની સેવા કરવાનો પોતાનો સંકલ્પ અહીં મળતી તાલીમથી વધુ મજબૂત બન્યો છે. અનુભવી પ્રાધ્યાપકોના માર્ગદર્શન અને વ્યવહારુ અભ્યાસના કારણે ભવિષ્યમાં એક સફળ પશુચિકિત્સક બનવાનું સ્વપ્ન સાકાર થવાનો વિશ્વાસ વ્યક્ત કરે છે.

આચાર્ય ડૉ. ઓડેદરાએ જણાવ્યું કે પશુચિકિત્સા વ્યવસાય હવે માત્ર પશુઓની સારવાર પૂરતો મર્યાદિત રહ્યો નથી. વન હેલ્થના વૈશ્વિક અભિગમ હેઠળ માનવ આરોગ્ય, પશુ આરોગ્ય અને પર્યાવરણના સંરક્ષણમાં પણ વેટનરી નિષ્ણાતોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. સરકારી વિભાગો, ડેરી ઉદ્યોગો, સંશોધન સંસ્થાઓ, ફાર્માસ્યુટિકલ કંપનીઓ, યુનિવર્સિટીઓ તેમજ સ્વરોજગાર સહિત અનેક ક્ષેત્રોમાં આ અભ્યાસક્રમો ઉજ્જવળ કારકિર્દીના દ્વાર ખોલે છે.

આચાર્ય ડૉ. એમ.ડી. ઓડેદરાએ વિદ્યાર્થીઓ અને વાલીઓને કામધેનુ યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા મુજબ સમયસર ઓનલાઈન અરજી કરવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, જૂનાગઢ વેટનરી કોલેજ ગુણવત્તાસભર શિક્ષણ અને પ્રયોગાત્મક તાલીમ દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે સશક્ત બનાવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande