અંજારમાં પાવર પ્લાન્ટમાંથી કોપર વાયર ચોરીનો પર્દાફાશ: પોલીસે બે શખ્સોને, ₹85 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
કચ્છ, 24 જુલાઈ (હિ.સ.) : અંજાર તાલુકાના વરસાણા વિસ્તારમાં આવેલી સાઝ ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.ના પાવર પ્લાન્ટમાંથી, થયેલી કોપર વાયર ચોરીના ગુનાનો અંજાર પોલીસે ઝડપી ભેદ ઉકેલી બે આરોપીઓને ચોરાયેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. મિલકત સંબંધિત ગુનાઓને કાબૂમ
અંજાર કોપર વાયર ચોરી કેસનો આરોપી


કચ્છ, 24 જુલાઈ (હિ.સ.) : અંજાર તાલુકાના વરસાણા વિસ્તારમાં આવેલી સાઝ ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.ના પાવર પ્લાન્ટમાંથી, થયેલી કોપર વાયર ચોરીના ગુનાનો અંજાર પોલીસે ઝડપી ભેદ ઉકેલી બે આરોપીઓને ચોરાયેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. મિલકત સંબંધિત ગુનાઓને કાબૂમાં લેવા માટે ચાલી રહેલી પોલીસની સઘન કામગીરીને વધુ એક સફળતા મળી છે.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના નેતૃત્વમાં વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. પાવર પ્લાન્ટની ઓફિસમાંથી કિંમતી કોપર વાયર ચોરીની ઘટના સામે આવ્યા બાદ પોલીસે તેને ગંભીરતાથી લઈ અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓ સુધી પહોંચવા માટે સતત પ્રયાસો શરૂ કર્યા હતા.

તપાસ દરમિયાન પેટ્રોલિંગમાં રહેલી પોલીસ ટીમને હ્યુમન સોર્સ મારફતે, મહત્વની બાતમી મળી હતી કે અંજાર આરટીઓ કચેરી સામે આવેલી ઝાડીઓ નજીક બે શખ્સો શંકાસ્પદ હાલતમાં કોપર વાયર ભરેલા કોથળા સાથે ઉભા છે. માહિતીના આધારે પોલીસે, સ્થળ પર પહોંચી બંનેને ઝડપી લીધા હતા. શરૂઆતમાં બંને શખ્સો કોપર વાયર અંગે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. ત્યારબાદ પોલીસ દ્વારા વૈજ્ઞાનિક અને તકનીકી રીતે પૂછપરછ કરતાં બંનેએ સાઝ ઈન્ડસ્ટ્રીઝના પાવર પ્લાન્ટની ઓફિસમાંથી કોપર વાયર ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

પોલીસે બંને આરોપીઓ પાસેથી અંદાજે 90 કિલોગ્રામ વજનનો કોપર વાયર જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે ₹85 હજાર હોવાનું સામે આવ્યું છે. આ મામલે અંજાર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાઈ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલા આરોપીઓમાં ભચાઉ તાલુકાના નાની ચિરઈ ગામના રહેવાસી પરીટ ફારુખભાઈ મુસાભાઈ (ઉંમર 19 વર્ષ) અને પરીટ જાવેદભાઈ કરીમભાઈ (ઉંમર 20 વર્ષ)નો સમાવેશ થાય છે. સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.જી. વાળા, જે.એસ. ચુડાસમા તેમજ અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફે સફળતાપૂર્વક પાર પાડી હતી. આ કામગીરીથી વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓ પર અંકુશ લાવવાના પોલીસના પ્રયાસોને વધુ મજબૂતી મળી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande