

કચ્છ, 24 જુલાઈ (હિ.સ.) : કચ્છમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થતાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ગત મોડી રાતથી શરૂ થયેલો ધીમી ગતિનો વરસાદ એક તરફ લોકોને ગરમીમાંથી રાહત આપી રહ્યો છે, તો બીજી તરફ કેટલીક જગ્યાએ બેદરકારીના કારણે ગંભીર ઘટનાઓ પણ સામે આવી રહી છે. આવી જ એક કરૂણ ઘટના અંજાર શહેરના ગંગાનાકા વિસ્તારમાં બની હતી, જ્યાં ખુલ્લા પડેલા વીજ વાયરના સંપર્કમાં આવતાં એક સાથે પાંચ નિર્દોષ ગાયો કરંટ લાગવાથી મોતને ભેટી હતી. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી હતી.
પ્રાથમિક માહિતી મુજબ સવારે ગાયો વિસ્તારમાં ચરતી અને પસાર થતી હતી ત્યારે વરસાદના કારણે ભીનું થયેલું વાતાવરણ અને ખુલ્લા વીજ વાયર જીવલેણ સાબિત થયા હતા. વીજ કરંટ લાગતાં ગાયો સ્થળ પર જ ઢળી પડી હતી. એકસાથે પાંચ ગાયોના મોત થતાં સ્થાનિક લોકો અને ગૌપ્રેમીઓ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. દૃશ્યો જોઈ લોકોમાં દુઃખ સાથે ભારે રોષ પણ જોવા મળ્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઘટનાની જાણ તાત્કાલિક સંબંધિત વિભાગને કરવામાં આવી હતી, પરંતુ લાંબા સમય સુધી જવાબદાર કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા નહોતા. આ કારણે લોકોમાં વધુ અસંતોષ ફેલાયો હતો. રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે વરસાદી મોસમ દરમિયાન વીજ લાઈનોનું સમયસર નિરીક્ષણ અને જાળવણી કરવામાં આવી હોત તો આવી દુર્ઘટના ટાળી શકાત.
ઘટનાના પગલે પીજીવીસીએલની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. વરસાદી સિઝનમાં ખુલ્લા વાયર અને જોખમી વીજ વ્યવસ્થાને લઈને અગાઉ પણ અનેક વખત ફરિયાદો ઉઠી ચૂકી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. તેમ છતાં યોગ્ય પગલાં લેવામાં ન આવતા નિર્દોષ પશુઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનું લોકોનું કહેવું છે.
આ કરૂણ ઘટનાએ માત્ર પશુપ્રેમીઓ જ નહીં પરંતુ સમગ્ર અંજાર પંથકને આઘાતમાં મૂકી દીધો છે. સ્થાનિકોએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની, ખુલ્લા વીજ વાયર તાત્કાલિક દૂર કરવાની અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા અસરકારક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની માંગ ઉઠાવી છે. વરસાદી મોસમમાં વીજ સલામતી અંગે સજાગતા અને સમયસરની કામગીરી કેટલી જરૂરી છે તે આ ઘટનાએ ફરી એક વખત સ્પષ્ટ કરી દીધું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar