


કચ્છ, 24 જુલાઈ (હિ.સ.) : ભુજમાં શિક્ષણને પ્રોત્સાહન આપતી એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે, જ્યાં સમાજના દાતાશ્રીઓના સહયોગથી એક દીકરીના ઉચ્ચ અભ્યાસ સામે ઊભી થયેલી આર્થિક મુશ્કેલી દૂર થઈ છે. નર્સિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ. ક્રિષ્ના પરમાર માટે કોર્સની ફી ભરવામાં મુશ્કેલી સર્જાતા તેના અભ્યાસ પર વિરામ લાગી જવાની શક્યતા ઊભી થઈ હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને શ્રી ભુજ રાજપૂત સોશ્યલ ગ્રૂપ દ્વારા સમાજના સેવાભાવી દાતાઓને સહાય માટે અપીલ કરવામાં આવી હતી.
આ અપીલને હકારાત્મક પ્રતિસાદ આપતા આરતીબેન હીતેનભાઈ સોલંકીએ કુ. ક્રિષ્ના પરમારના અભ્યાસ માટે રૂ. 15,000ની આર્થિક સહાયનો ચેક અર્પણ કર્યો હતો. આ સહયોગથી વિદ્યાર્થીનીની ચાલુ વર્ષની ફી ભરવાનો માર્ગ સરળ બન્યો છે અને હવે તે કોઈપણ આર્થિક અવરોધ વિના પોતાના નર્સિંગ અભ્યાસને આગળ વધારી શકશે.
આ પ્રસંગે હીતેનભાઈ સોલંકીએ માત્ર આર્થિક સહાય પૂરતી જ સીમિત ન રહી, પરંતુ વિદ્યાર્થીનીને મનોબળ પૂરું પાડતાં તેને અભ્યાસમાં સતત આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. સાથે જ તેમણે આગામી ત્રીજા વર્ષની ફી માટે પણ સહયોગ આપવાની તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળ્યું છે. તેમના આ અભિગમે શિક્ષણ પ્રત્યેની સંવેદના અને સમાજ પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ચેક અર્પણ કરતી વેળાએ શ્રી ભુજ રાજપૂત સોશ્યલ ગ્રૂપના અશોકભાઈ મેર સહિત આરતીબેન સોલંકી,હીતેનભાઈ સોલંકી અને પરિવારના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ અત્યંત સાદગીપૂર્ણ રીતે યોજાયો હતો. કોઈપણ પ્રકારના ભવ્ય આયોજન કે પ્રચાર-પ્રસાર વિના જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીને સહાય પહોંચાડવાનો નિર્ણય સૌ માટે પ્રેરણારૂપ બન્યો છે.
શ્રી ભુજ રાજપૂત સોશ્યલ ગ્રૂપે દાતા પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સમાજમાં આવી સેવાભાવી ભાવના અન્ય લોકો માટે પણ પ્રેરણાસ્રોત બને છે. શિક્ષણ ક્ષેત્રે આ પ્રકારનો સહયોગ માત્ર એક વિદ્યાર્થીનીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવતો નથી, પરંતુ સમગ્ર સમાજમાં દીકરીઓના શિક્ષણ પ્રત્યે સકારાત્મક સંદેશ પણ પહોંચાડે છે. સમાજના સંયુક્ત પ્રયાસોથી અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સપનાઓને નવી દિશા મળી શકે છે અને શિક્ષણ દ્વારા તેઓ પોતાના જીવનમાં સફળતાના નવા શિખરો સર કરી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar