

કચ્છ, 24 જુલાઈ (હિ.સ.) : કચ્છના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને નવી પેઢી સુધી જીવંત રાખવાના ઉદ્દેશ સાથે, કચ્છ મ્યુઝિયમ અને પુરાતત્વ વિભાગના સંયુક્ત પ્રયાસથી કેરા ગામ સ્થિત પ્રાચીન શિવ મંદિર ખાતે, એક અનોખા લાઈવ સ્કેચિંગ આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલ માત્ર કળા સુધી મર્યાદિત રહી નહોતી, પરંતુ ઐતિહાસિક ધરોહરના સંરક્ષણ અને દસ્તાવેજીકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું બની રહી હતી.
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના વિઝ્યુઅલ આર્ટ વિભાગના વિદ્યાર્થીઓએ, આશરે ૧૦મીથી ૧૧મી સદી દરમિયાન નિર્માણ પામેલા કેરાના ઐતિહાસિક શિવ મંદિરની મુલાકાત લઈને તેના સ્થાપત્ય, શિલ્પકલા અને પ્રાચીન રચનાત્મક વિશેષતાઓને ખૂબ જ ઝીણવટપૂર્વક નિહાળી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ મંદિરનું સ્થળ પર જ બેસીને લાઈવ સ્કેચિંગ કર્યું, જેમાં મંદિરના મૂળ સ્વરૂપને કલાત્મક અભિવ્યક્તિ સાથે કાગળ પર ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માત્ર કલાકૃતિઓ સર્જવાનો નહોતો, પરંતુ ભવિષ્યમાં મંદિરના સંભવિત જીર્ણોદ્ધાર દરમિયાન ઉપયોગી બની શકે તેવું દૃશ્ય દસ્તાવેજીકરણ તૈયાર કરવાનો હતો. નિષ્ણાતોના મતે આવા સ્કેચ સ્થાપત્યના મૂળ સ્વરૂપને સમજવામાં તેમજ સંરક્ષણ સંબંધિત કામગીરીમાં મહત્વપૂર્ણ સંદર્ભ તરીકે ઉપયોગી સાબિત થઈ શકે છે. કળા અને પુરાતત્વના સમન્વયથી તૈયાર થયેલા આ દસ્તાવેજો વારસાની જાળવણી માટે મૂલ્યવાન સંપત્તિ ગણાશે.
વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા સ્કેચ અને કલાકૃતિઓને ટૂંક સમયમાં કચ્છ મ્યુઝિયમના પ્રદર્શન હોલમાં જાહેર પ્રદર્શન માટે મૂકવામાં આવશે. આ પ્રદર્શન દ્વારા સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ અને ઇતિહાસપ્રેમીઓને કચ્છના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા સાથે નજીકથી પરિચિત થવાની તક મળશે અને વારસાના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ પણ વધશે.
કાર્યક્રમ દરમિયાન કચ્છ સર્કલના અધિક્ષક પુરાતત્વવિદ ડૉ. આદિત્ય સિંહ, પુરાતત્વ વિભાગના શ્રી જયપાલ જાડેજા, કચ્છ મ્યુઝિયમના ક્યૂરેટર ડૉ. મહેન્દ્રસિંહ સુરેલા, કચ્છ યુનિવર્સિટીના ફાઇન આર્ટ વિભાગના ડીન ડૉ. કાશ્મીરા મહેતા તેમજ શ્રી નવીન સોની, શ્રી જીગર સોની અને શ્રી રત્નેશ પાંડે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સ્થાપત્યની વિશેષતાઓ અંગે માર્ગદર્શન આપતાં વારસાના સંરક્ષણમાં યુવાનોની સક્રિય ભાગીદારીને સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત ગણાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar