




કચ્છ, 24 જુલાઈ (હિ.સ.) : કચ્છની વિશ્વપ્રસિદ્ધ ખારેક ખેતીને વધુ વૈજ્ઞાનિક અને આધુનિક બનાવવાના હેતુથી ઈન્ડો-ઈઝરાયેલ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ અંતર્ગત કુકમા સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ડેટ પામ ખાતે ત્રણ દિવસીય રાષ્ટ્રીય કક્ષાની વિશેષ તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા કુલ 50 કૃષિ અને બાગાયત અધિકારીઓએ ભાગ લઈ ખારેકની અદ્યતન ખેતી પદ્ધતિઓ અંગે ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન મેળવ્યું.
તાલીમ દરમિયાન ઇઝરાયલ એમ્બેસી MASHAVના એગ્રીકલ્ચર અટેચી શ્રી ઉરી રૂબિનસ્ટીને ખારેકના ઉત્પાદનથી લઈને ગ્રેડિંગ, સોર્ટિંગ, માર્કેટિંગ અને આંતરરાષ્ટ્રીય ધોરણો સુધીની સમગ્ર પ્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વૈશ્વિક બજારમાં ગુણવત્તાયુક્ત ખારેકનું મહત્વ અને તેની વધતી માંગ અંગે પણ પ્રકાશ પાડ્યો હતો.
સંયુક્ત બાગાયત નિયામક ડૉ. એફ. કે. મોઢે ખારેકના વૈજ્ઞાનિક વાવેતર, પરાગનયન ટેકનોલોજી અને વધુ ઉત્પાદન મેળવવા માટે અપનાવવાની આધુનિક પદ્ધતિઓ સમજાવી હતી. ઇઝરાયલ એમ્બેસીના પ્રોજેક્ટ ઓફિસર શ્રી બ્રીહમા દેવે ભવિષ્યમાં ખારેક ક્ષેત્રે ઉપલબ્ધ તકો અને નવી ટેક્નોલોજીના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કચ્છ જિલ્લાના નાયબ બાગાયત નિયામક એમ. એસ. પરસાણિયાએ જિલ્લામાં બાગાયત પાકોની વર્તમાન સ્થિતિ અને વિકાસની સંભાવનાઓ વિશે માહિતી આપી હતી.
આણંદ કૃષિ યુનિવર્સિટીના ડૉ. જી. બી. પાટીલે ખારેકમાં ટીસ્યુ કલ્ચર ટેક્નોલોજીના ઉપયોગથી ગુણવત્તાયુક્ત રોપાઓના ઉત્પાદન અંગે સમજણ આપી હતી. સેન્ટર ઓફ એક્સેલન્સના પ્રોજેક્ટ ઓફિસર એસ. સી. સિસોદિયા અને બાગાયત અધિકારી કેતન સિંહ સિકવાલે ખાતર વ્યવસ્થાપન, ફળ વિકાસ અને ઉત્પાદન વૃદ્ધિ માટે અપનાવવાની વિવિધ તકનીકો વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તાલીમમાં સિંચાઈ વ્યવસ્થાપન, પોષક તત્ત્વોનું સંતુલન, મલ્ચિંગ, બંચ કવરિંગ, કાપણી પછીનું સંચાલન, ઓર્ગેનિક ખેતી તેમજ રેડ પામ વીવીલ જેવા જીવાત નિયંત્રણ અંગે પણ નિષ્ણાતોએ વ્યવહારુ માહિતી આપી હતી. કાર્યક્રમના અંતર્ગત સહભાગી અધિકારીઓએ કચ્છના પ્રગતિશીલ ખેડૂત વાલજીભાઈ કાનજીભાઈ દબાસિયાના 250 એકર વિસ્તારમાં ફેલાયેલા બલરામ ખારેક ફાર્મની મુલાકાત લઈ આધુનિક ખારેક ઉત્પાદનની સફળ પદ્ધતિઓનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. આ તાલીમ દ્વારા દેશના વિવિધ રાજ્યોના અધિકારીઓને કચ્છની સફળ ખેતી પદ્ધતિઓનો અભ્યાસ કરવાની અને તેને પોતાના વિસ્તારોમાં અમલમાં મૂકવાની મહત્વપૂર્ણ તક પ્રાપ્ત થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar