


કચ્છ, 24 જુલાઈ (હિ.સ.) : કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મસ્કા ગામમાં દીકરીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખીને બાલિકા પંચાયતની વિશેષ બેઠક અને સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન રાવલના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરીની DHEW ટીમ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓને સરકારી સેવાઓ, આરોગ્ય સુવિધાઓ અને શિક્ષણના મહત્વ અંગે માહિતગાર કરીને તેમને આત્મવિશ્વાસી અને જવાબદાર નાગરિક તરીકે સશક્ત બનાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન બાલિકા પંચાયત સાથે સંકળાયેલી દીકરીઓ સાથે ખુલ્લો સંવાદ યોજાયો, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ તેમજ મહિલા અને બાળ કલ્યાણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. દીકરીઓને માત્ર યોજનાઓ વિશે જાણકારી આપવાથી આગળ વધીને તેનો લાભ કેવી રીતે મેળવી શકાય અને પોતાના પરિવાર તેમજ આસપાસના લોકો સુધી આ માહિતી કેવી રીતે પહોંચાડવી તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ પ્રસંગે દીકરીઓને ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિરની મુલાકાત પણ કરાવવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ માતા અને બાળ આરોગ્ય સેવાઓ, રસીકરણ, નિયમિત આરોગ્ય તપાસ, પોષણ સંબંધિત માર્ગદર્શન અને અન્ય સરકારી આરોગ્ય સુવિધાઓ વિશે આરોગ્ય કર્મચારીઓએ વિગતવાર માહિતી આપી હતી. આ મુલાકાતથી દીકરીઓને આરોગ્ય સેવાઓની વ્યવસ્થા અને તેના ઉપયોગ અંગે વ્યવહારુ સમજ પ્રાપ્ત થઈ.
કાર્યક્રમના અંતર્ગત ગામમાં શિક્ષણ જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બાલિકા પંચાયતની સભ્યોએ ગામની વિવિધ શેરીઓમાં ફરીને ગ્રામજનોને દીકરીઓના શિક્ષણનું મહત્વ સમજાવ્યું અને દરેક બાળકી નિયમિત રીતે શાળાએ જાય તે માટે અપીલ કરી. ખાસ કરીને કોઈપણ દીકરી શિક્ષણથી વંચિત ન રહે અને શાળા બહારની એક પણ બાળકી ન રહે તેવો સંદેશ સમગ્ર ગામમાં પહોંચાડવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં મસ્કા ગામના સરપંચ કીર્તિભાઈ ગોર, DHEWના મિશન કો-ઓર્ડિનેટર ફોરમબેન વ્યાસ, સ્પેશિયલ ફાઇનાન્શિયલ લિટરસી કોઓર્ડિનેટર કૃષ્ણાબેન ભુડિયા તથા દીપાલીબેન ભાટી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમે દીકરીઓમાં શિક્ષણ, આરોગ્ય અને સરકારી યોજનાઓ પ્રત્યે જાગૃતિ વધારવાની સાથે સમાજમાં મહિલા સશક્તિકરણ અને બાળ અધિકારો અંગે સકારાત્મક સંદેશ પ્રસરીત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar