
મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અગોલ સીમ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા પોલીસ દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણીથી ઘેરાયેલા વિસ્તારમાં રહેતા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા.
ભારે વરસાદને કારણે પાણીનું સ્તર વધતાં સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમો સ્થળ પર પહોંચી હતી અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત તમામ અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા.
રેસ્ક્યૂ કામગીરી દરમિયાન પોલીસ દ્વારા લોકોની સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી હતી. સાથે જ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ વધુ રાહત કામગીરી માટે ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
પોલીસ તંત્રએ નાગરિકોને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા, બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. ભારે વરસાદ વચ્ચે જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર સંયુક્ત રીતે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR