
મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના બેચરાજીમાં પડેલા અંદાજે 8 ઇંચના ધોધમાર વરસાદે શહેરમાં ભારે તારાજી સર્જી છે. થોડા જ કલાકોમાં શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. જુના ઇન્દિરાનગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં 10થી 20 જેટલા ઘરોમાં કમર સુધી પાણી ઘૂસી જતાં ઘરવખરી, ગાદલા, ઇલેક્ટ્રોનિક સાધનો અને અન્ય સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. અનેક પરિવારોને ઘરમાં જ ઊંચા સ્થળે આશરો લેવો પડ્યો હતો.
ભારે વરસાદની સૌથી મોટી અસર બેચરાજી માર્કેટ યાર્ડ પર જોવા મળી હતી. યાર્ડ અને આસપાસની દુકાનોમાં પાણી ભરાઈ જતાં એરંડા, રાયડો, જીરું, ઈસબગુલ અને લસણ સહિતની કૃષિ પેદાશોનો મોટો જથ્થો પાણીમાં પલળી ગયો હતો. વેપારીઓના જણાવ્યા મુજબ પ્રાથમિક અંદાજે લાખોથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. વેપારી જયદીપસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે બ્લોક થયેલા નાળા અને ગટરોના કારણે મુખ્ય માર્ગ પરથી વરસાદી પાણી સીધું માર્કેટ યાર્ડમાં ઘૂસી આવ્યું હતું.
શંખલપુર રોડ પર આવેલા અંડરગ્રાઉન્ડ રેલવે ગરનાળામાં પાણી ભરાતા શંખલપુર સહિત 10થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. સ્કૂલો અને સિવિલ હોસ્પિટલ સુધી પહોંચવામાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ વરસાદી પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
મામલતદાર રાજેશ કાનૂડાવાલાએ જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે પરિસ્થિતિ સર્જાઈ છે. હાલ નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા જેસીબીની મદદથી નાળા-ગટરો ખુલ્લા કરવાની કામગીરી ચાલી રહી છે. રેલવે વિભાગ સાથે સંકલન કરીને ગરનાળામાંથી પાણી બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરાયા છે અને વાહનચાલકોને હાલ પૂરતા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR