

મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.)
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામ સ્થિત અવદેશ આશ્રમ ખાતે નાયબ બાગાયત નિયામક કચેરી, પાટણ દ્વારા ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહંત શ્રી 1008 રામદાસ ગિરી બાપુની ઉપસ્થિતિમાં યોજાયેલી આ શિબિરમાં ખેડૂતોને બાગાયતી પાકોની પ્રાકૃતિક ખેતી પદ્ધતિ, સૂક્ષ્મ સિંચાઈ અને સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શિબિર દરમિયાન મદદનીશ બાગાયત નિયામક પાર્થ જોશીએ જિલ્લાના મુખ્ય બાગાયતી પાકોની આધુનિક ખેતી પદ્ધતિ અંગે માહિતી આપી હતી. જ્યારે બાગાયત અધિકારી અમિત દેસાઈએ બાગાયત વિભાગ દ્વારા અમલમાં રહેલી વિવિધ સહાયલક્ષી યોજનાઓની વિગતવાર સમજ આપી હતી, જેથી વધુમાં વધુ ખેડૂતો તેનો લાભ લઈ શકે.
જીજીઆરસી (GGRC)ના અનંત પટેલે બાગાયતી પાકોમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના ફાયદા, પાણીના બચાવ અને સંબંધિત યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત પ્રાકૃતિક કૃષિ બોર્ડના વિજય ચૌધરીએ ગાય આધારિત પ્રાકૃતિક અને ટકાઉ ખેતી અપનાવવાના લાભો વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમમાં ખોરસમના સરપંચ ભરતભાઈ પ્રજાપતિ, પૂર્વ સરપંચ ગાંડાલાલ પટેલ, ખેડૂત અગ્રણી રમેશભાઈ, દીવાનજી સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. શિબિર દરમિયાન ખેડૂતોને સરકારની યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા અપીલ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR