મહેસાણામાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, કલેક્ટરની નાગરિકોને સતર્ક રહેવા અપીલ
મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) હવામાન વિભાગ દ્વારા મહેસાણા જિલ્લામાં આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવતા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ નાગરિકોને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા અને સાવચેતી રા
મહેસાણામાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, કલેક્ટરની નાગરિકોને સતર્ક રહેવા અપીલ


મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) હવામાન વિભાગ દ્વારા મહેસાણા જિલ્લામાં આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવતા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ નાગરિકોને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે. સાથે જ સમગ્ર જિલ્લામાં 24x7 ઇમરજન્સી કંટ્રોલ રૂમ કાર્યરત રાખવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે.

કલેક્ટરે જણાવ્યું કે છેલ્લા બે દિવસથી રાજ્યભરમાં થઈ રહેલા ભારે વરસાદની અસર મહેસાણા જિલ્લામાં પણ જોવા મળી રહી છે. આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર તેમજ તમામ સંબંધિત વિભાગોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે, જેથી કોઈપણ આપત્તિજનક સ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય.

નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી જિલ્લાની આંગણવાડીઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં રજાઓ જાહેર કરવામાં આવી છે. ઉપરાંત શહેરી વિસ્તારોમાં પાણી ભરાયેલા રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા પણ અપીલ કરવામાં આવી છે.

જિલ્લા અને તાલુકા કક્ષાની ટીમો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. વૃક્ષ ધરાશાયી થવા, પાણી ભરાવા અથવા અન્ય કોઈ ઇમરજન્સી સર્જાય તો તંત્ર તાત્કાલિક કામગીરી માટે તૈયાર હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું. કોઈપણ કટોકટીની સ્થિતિમાં નાગરિકો જિલ્લા ઇમરજન્સી કંટ્રોલ રૂમના ફોન નંબર 02762-222220 અથવા 02762-222299 પર સંપર્ક કરી મદદ મેળવી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande