કડીના ડરણ અને ખાવડ ગામમાં ભારે વરસાદથી પાણી ભરાયા, સ્થળાંતરની જરૂર પડે તો તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ
મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ડરણ અને ખાવડ ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ડરણ ગામના ઇન્દિરાનગર વિસ્તારમાં પાણી ભરાતા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું
કડીના ડરણ અને ખાવડ ગામમાં ભારે વરસાદથી પાણી ભરાયા, સ્થળાંતરની જરૂર પડે તો તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ


મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ડરણ અને ખાવડ ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ડરણ ગામના ઇન્દિરાનગર વિસ્તારમાં પાણી ભરાતા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

ભારે વરસાદ અને પાણીના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આગોતરા આયોજન કરવામાં આવ્યું છે. જો સ્થિતિ વધુ ગંભીર બને અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની જરૂર પડે તો તેના માટે આશ્રયસ્થાન તેમજ ભોજન સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ અગાઉથી તૈયાર રાખવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે નાગરિકોની સુરક્ષા તંત્રની પ્રથમ પ્રાથમિકતા છે.

દર વર્ષે ઉપરવાસના ગામોમાંથી વરસાદી પાણી આવવાના કારણે ડરણ અને ખાવડ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. આ વર્ષે પણ ભારે વરસાદ બાદ સમાન સ્થિતિ ઊભી થતાં સ્થાનિક તલાટી, વહીવટદાર અને અન્ય અધિકારીઓ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. પાણીના ઝડપી નિકાલ માટે કામગીરી તેજ કરવામાં આવી છે અને અસરગ્રસ્ત વિસ્તારો પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા વહીવટી તંત્રે જણાવ્યું છે કે હાલ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર જણાશે તો તાત્કાલિક સ્થળાંતર તેમજ રાહત કામગીરી હાથ ધરવામાં આવશે. નાગરિકોને પણ સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande