
મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે કડી અને બાવલું પોલીસ સ્ટેશન વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહેસાણા પોલીસ દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણીથી ઘેરાયેલા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા.
પોલીસની ટીમોએ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી હતી. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને પ્રાથમિકતા આપીને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. વરસાદી પરિસ્થિતિ વચ્ચે કોઈ જાનહાનિ ન થાય તે માટે પોલીસ સતત સતર્ક રહી કામગીરી કરી રહી છે.
મહેસાણા પોલીસ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને પાણીના સ્તર પર નજર રાખવામાં આવી રહી છે. જરૂરિયાત મુજબ વધુ રાહત અને બચાવ ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
પોલીસ તંત્રએ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર સંયુક્ત રીતે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR